વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારતને બંગાળના અખાત બહુક્ષેત્રિય તકનીકી અને આર્થિક સહયોગ (BIMSTEC)માં પોતાની જવાબદારીનો અહેસાસ છે અને તે આર્થિક તથા ભૌગોલિક-રાજકીય પ્રવૃત્તિઓથી વાકેફ છે.


ભારતનું માનવું છે કે પ્રાદેશિક સહકાર એ ચુનંદા વિષયો પર આધારિત નહીં પરંતુ એકીકૃત દૃષ્ટિકોણ છે. તેમણે એમ પણ કહ્યું કે બંગાળના અખાતમાં 6,500 કિલોમીટરની સૌથી લાંબી તટરેખા ભારતની છે. જયશંકરનું આ નિવેદન બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસની એવી ટિપ્પણી બાદ આવ્યું છે કે ભારતના પૂર્વોત્તરના સાત રાજ્યો લેન્ડ લૉક્ડ છે. તેથી બાંગ્લાદેશ બંગાળના અખાત અને હિંદ મહાસાગરનું એકમાત્ર સંરક્ષક છે. મોહમ્મદ યુનુસે તેમના ચીનપ્રવાસ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. બંગાળના અખાતમાં સૌથી લાંબી તટરેખા ભારતની હોવાની જયશંકરની ટિપ્પણી મોહમ્મદ યુનુસ પર એક પ્રકારે પરોક્ષ કટાક્ષ હોવાનું મનાય છે.યુનુસે ચીનને બાંગ્લાદેશમાં ઇકોનોમિક બેઝ સ્થાપિત કરવા આગ્રહ કર્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે બાંગ્લાદેશ આ ક્ષેત્રમાં મહાસાગરનું એકમાત્ર સંરક્ષક છે. અત્રે છઠ્ઠા BIMSTEC શિખર સંમેલનને સંબોધતા જયશંકરે જણાવ્યું કે બંગાળના અખાતની આસપાસના દેશોના સહિયારા હિત અને સહિયારી ચિંતાઓ છે.


  • Follow us on: