• માન્યતા બાદ ભારતના MBBS તબીબ વિદેશમાં પીજી અને પ્રેક્ટિસ કરી શકશે

  • વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન દ્વારા એનએમસીને 10 વર્ષ માટે માન્યતા પ્રદાન કરાઈ
  • ભારતમાં કાર્યરત તમામ વર્તમાન 706 મેડિકલ કોલેજોને WFME માન્યતા પ્રાપ્ત થઇ

ભારતમાં મેડિકલ ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થાન નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)ને વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME) દ્વારા આગામી 10 વર્ષ માટે માન્યતા પ્રદાન કરાયા બાદ હવે ભારતના તબીબી સ્નાતકો વિદેશી દેશોમાં પણ પ્રેક્ટિસ કરી શકશે. આ જાહેરાત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક પ્રેસ વિજ્ઞપ્તિમાં કરવામાં આવી હતી. એનએમસીને માન્યતા મળ્યા બાદ ભારતની મેડિકલ સંસ્થાઓની ડિગ્રી ધરાવતા તબીબી સ્નાતકો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સહિતના અન્ય દેશોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે અથવા તો અહીં પ્રેક્ટિસ કરી શકશે. આ દેશોમાં અનુસ્નાતક અભ્યાસ અથવા મેડિકલ પ્રેક્ટિસ માટે WFMEની માન્યતા આવશ્યક છે. ભારતમાં કાર્યરત તમામ વર્તમાન 706 મેડિકલ કોલેજોને WFME માન્યતા પ્રાપ્ત થઇ ગઇ છે. અને દેશમાં આગામી 10 વર્ષ દરમિયાન સ્થાપિત થનારી કોઇપણ નવી મેડિકલ કોલેજને પણ આપમેળે જ WFME એક્રિડેશન સ્ટેટસ પ્રાપ્ત થઇ જશે. WFME દ્વારા એનએમસીને માન્યતા પ્રદાન કરાયા બાદ એનએમસી ભારતમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા અને તેના માપદંડોને વિસ્તારિત કરવા સમર્થ બનશે. સાથે જ તે ભારતીય મેડિકલ સંસ્થાઓ અને વ્યવસાયિકો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અને ઓળખ તેમજ પ્રતિષ્ઠાનો માર્ગ પણ મોકળો કરશે તેમજ શૈક્ષણિક સહકાર અને એક્સચેન્જને સુલભ બનાવશે. મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારા-ઇનોવેશનને પ્રોત્સાહિત કરશે.

WFME શું છે?

વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME)એ વૈશ્વિક સંગઠન છે જે વિશ્વ સ્તરે તબીબી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે સમર્પિત છે. તેનું મિશન તમામ લોકો માટે સારી આરોગ્ય સુવિધા સુલભ બને તેમજ તબીબી શિક્ષણમાં સર્વોચ્ચા વૈજ્ઞાનિક અને નૈતિક ધારાધોરણોને આગળ વધારવામાં આવે તે જોવાનું છે.


  • Follow us on: