ભારતીય રેલવે દ્વારા એક બાદ એક નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. હવે 15 સપ્ટેમ્બરે દેશના વિવિધ રાજ્યોને 10 વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડના જમશેદપુરથી આ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ પહેલીવાર છે જ્યારે દસ વંદે ભારત ટ્રેન એક સાથે શરૂ કરવામાં આવશે.


આ રાજ્યોને મળશે નવી વંદે ભારત ટ્રેન

આ પહેલા પીએમ મોદીએ મુંબઈ-ગોવા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ 10 વંદે ભારત ટ્રેનો દેશભરના અલગ-અલગ રેલવે સ્ટેશનો પરથી દોડાવવામાં આવશે. માહિતી મુજબ દેશભરના જે રાજ્યોને આ વંદે ભારત ટ્રેન મળી છે તેમાં ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ છે.

15 સપ્ટેમ્બરથી શરૂ થનારી 10 વંદે ભારત ટ્રેનોમાંથી મોટાભાગની ટ્રેનો બિહારમાંથી પસાર થશે. ઝારખંડમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે જમશેદપુર પહોંચશે. ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ જણાવ્યું કે 15 સપ્ટેમ્બરથી ઓછામાં ઓછી ત્રણ વધુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઓડિશામાં દોડશે.

ઓડિશાને મળશે 3 નવી વંદે ભારત ટ્રેન

ઓડિશામાંથી પસાર થતી નવી ટ્રેનોમાં ટાટા-બેરહમપુર, રાઉરકેલા-હાવડા અને દુર્ગ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ છે. આ ત્રણ તે 10 ટ્રેનોમાં સામેલ છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. ઓડિશામાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા માટે, કેન્દ્રએ 2024-25માં 10,586 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે.

તમને જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેન સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. જેની મહત્તમ ઝડપ 160 કિમી/કલાક છે. જો આપણે દેશમાં ચાલી રહેલી વંદે ભારત ટ્રેનોની કુલ સંખ્યા વિશે વાત કરીએ, તો અત્યાર સુધીમાં દેશના વિવિધ રેલ્વે માર્ગો પર વંદે ભારત ટ્રેનોની કુલ 54 જોડી દોડી રહી છે, જે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 280 થી વધુ જિલ્લાઓને કવર કરે છે.


  • Follow us on: