- દિલ્હીથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટના ટોઈલેટમાં એક વ્યક્તિએ ધૂમ્રપાન કર્યું
- કેબિન ક્રૂએ ટોઈલેટની તપાસ કરતા, ત્યાંથી એક માચીસ અને સળગેલી સિગારેટ મળી
- ધૂમ્રપાન કરનારા પેસેન્જર સામે કેસ નોંધવામાં આવ્યો
દિલ્હીથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં એક વિચિત્ર ઘટના બની છે. દિલ્હીથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટના ટોઈલેટમાં એક વ્યક્તિએ ધૂમ્રપાન કરવાનું શરૂ કર્યું. તેણે સિગારેટ સળગાવી અને તરત જ પ્લેનનું સ્મોક સેન્સર એક્ટિવ થઈ ગયું. જ્યારે પેસેન્જર બહાર આવ્યો, ત્યારે કેબિન ક્રૂએ ટોઈલેટની તપાસ કરી અને એક માચીસ અને સળગેલી સિગારેટ મળી. પ્લેન મુંબઈમાં લેન્ડ થયા બાદ પેસેન્જરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
દિલ્હીથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બની આ ઘટના
આ ઘટના બુધવારે સાંજે દિલ્હીથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બની હતી તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. 5.15 વાગ્યે 176 મુસાફરોને લઈને આ ફ્લાઈટ લગભગ દિલ્હી એરપોર્ટથી ટેકઓફ થઈ હતી. મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયાની લગભગ 50 મિનિટ પહેલા ઉત્તર પ્રદેશના રહેવાસી ખલીલ કાજમુલ ખાન નામનો 38 વર્ષીય પેસેન્જર ટોયલેટમાં ગયો હતો.
ક્રૂ મેમ્બરોને માચીસની સ્ટીક અને સિગારેટની બટ મળી
આ દરમિયાન ખલીલ કાજમુલ ખાને પ્લેનના ટોયલેટની અંદર સિગારેટ પીવાનું શરૂ કર્યું હતું. તેણે સિગારેટ પીતાની સાથે જ સ્મોક સેન્સરે કેબિન ક્રૂને એલર્ટ કરી દીધું. જ્યારે પેસેન્જર બહાર આવ્યો, ત્યારે ક્રૂ મેમ્બરોએ ટોઈલેટની તપાસ કરી અને તેને માચીસની સ્ટીક અને સિગારેટની બટ મળી. આ ઘટના બાદ કેબિન ક્રૂએ તેમના ઉપરી અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. જ્યારે ક્રૂ મેમ્બર્સે પેસેન્જરની પૂછપરછ કરી તો તેણે પણ ટોયલેટની અંદર ધૂમ્રપાન કર્યાનું કબૂલ્યું હતું.
એરક્રાફ્ટ રૂલ્સ હેઠળ પેસેન્જર વિરૂદ્ધ નોંધાયો કેસ
જ્યારે પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું, ત્યારે સુરક્ષા કર્મચારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી. આ પછી ખલીલ કાજમુલ ખાનને સહાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પ્લેનમાં ધૂમ્રપાન કરનારા પેસેન્જર વિરુદ્ધ આઈપીસી અને એરક્રાફ્ટ રૂલ્સ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.