ઈન્દોરના દેવગરાડિયા નજીક માનસરોવર કોલોનીમાં આજે સાંજે 4 વાગ્યે એક દીપડો જોવા મળ્યો છે. દીપડો અંદર પ્રવેશતા જ વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ અને લોકો રસ્તાઓ પર દોડવા લાગ્યા. લાંબા સમય સુધી દીપડો માનસરોવર કોલોનીના રસ્તાઓ પર ફરતો રહ્યો અને છત પર પણ જોવા મળ્યો. થોડા સમય પછી તે ગાયબ થઈ ગયો અને સાંજે 7 વાગ્યાની આસપાસ તેને ઝડપી લેવામાં આવ્યો છે.


કેવી રીતે મળી જાણકારી?

સાંજના સમયે ઈન્દોરના ખુદૈલ વિસ્તારમાં એક નિર્માણાધીન મકાનમાં એક દીપડો બેઠેલો જોવા મળ્યો. જ્યારે આસપાસના લોકોએ તેને ભગાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે તેમની તરફ ધસી આવ્યો, જેના કારણે વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ. આ ઘટનાના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. દીપડો દેવગુરાડિયા ગામના માનસરોવર નગરમાં જઈને છુપાઈ ગયો. ઘરમાં કામ કરતા કામદારોએ સૌપ્રથમ દીપડો જોયો હતો. આ ઘટનાની જાણ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ અંગે વન વિભાગને જાણ કરી હતી, ત્યારબાદ વન વિભાગની ટીમ દોડી આવી અને લગભગ 3 કલાકની મહેનત બાદ દીપડાને ઝડપી લીધો.

જંગલમાંથી દીપડો આવ્યો હોવાની શક્યતા

વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 'એવી શંકા છે કે દીપડો નજીકના રાલામંડલ જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં આવ્યો હશે.' ઉલ્લેખનીય છે કે રાલામંડળની આસપાસના જંગલોમાં દીપડાઓ પહેલા પણ ઘણી વખત જોવા મળ્યા છે પણ અચાનક આ રીતે રહેણાંક વિસ્તારમાં દીપડાને જોઈને આસપાસના લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

ભાજપના નેતાના ઘરમાં ઘુસી ગયો હતો

જે ઘરમાં દીપડો બેઠો હતો તે ઘર ભાજપ નેતા સુનીલ પુરોહિતનું છે. તેનું બાંધકામ કરી રહેલા કામદારોએ સાંજે 4 વાગ્યે દીપડો જોયો, તે સમયે ઘર બહારથી બંધ હતું. આવી સ્થિતિમાં, છત પરથી દીપડો ઘૂસી જવાની શક્યતા રહે છે. વન વિભાગ અને પોલીસ દળે ઈન્દોરની માનસરોવર કોલોની અને તેની આસપાસના વિસ્તારોના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. લોકોમાં હજુ ગભરાટ છે અને હજુ પણ પોતાના ઘરોમાં છુપાયેલા છે.


  • Follow us on: