• પાકિસ્તાની રૂપિયો ગગડી રહ્યો છે, અસહ્ય મોંઘવારીથી લોકો ત્રાહિમામ્

  • પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર રૂપિયા 14.91નો વધારો
  • ડીઝલમાં પ્રતિલિટર રૂપિયા 18.44નો વધારો

પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી જ વાર પેટ્રોલ-ડીઝલના પ્રતિલિટર ભાવ રૂપિયા 300ને પાર પહોંચી ગયા છે. સરકારે પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર રૂપિયા 14.91નો વધારો કરતાં પેટ્રોલના ભાવ વધીને રૂપિયા 305.36 થઈ ગયા છે. તો હાઇ સ્પીડ ડીઝલની કિંમતમાં રૂપિયા 18.44નો વધારો ઝીંકાતાં તેના ભાવ પણ પ્રતિલિટર રૂપિયા 311.84 થઈ ગયા છે. નાણામંત્રાાલયે મોડી રાતે આ જાણકારી આપી હતી. સરકારે કેરોસીન અને હલકા ડીઝલના ભાવમાં કોઈ સુધારો કર્યો નથી. હજી 15 ઓગસ્ટે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંક્યો હતો. તે સમયે સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રૂપિયા 20નો વધારો ઝીંક્યો હતો. તે પહેલાં ગઈ સરકાર દ્વારા 1લી ઓગસ્ટે ભાવ વધારો થયો હતો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય સતત ગગડતું જાય છે. અમેરિકી ડોલરને મુકાબલે પાકિસ્તાની રૂપિયો 1.09 જેટલો તૂટયો હતો. રૂપિયા 305.54ની વિક્રમજનક નીચી સપાટીએ પાકિસ્તાની રૂપિયો બંધ રહ્યો હતો. રખેવાળ સરકારે સત્તા સંભાળ્યા પછી રૂપિયો 4.6 ટકા જેટલો ગગડયો છે. ઓગસ્ટમાં પાકિસ્તાની રૂપિયામાં 6.2 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. પાકિસ્તાનને નાણાકીય સંકટમાંથી ઉગારવા આઇએમએફે તેને 3 અબજ ડોલરનું પેકેજ મંજૂર કર્યું હતું. તે વખતે શરત મૂકવામાં આવી હતી કે દેશની પેટ્રોલિયમ લેવીને પ્રતિલિટર રૂપિયા 60 જેટલી વધારવામાં આવે.


  • Follow us on: