- 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાની ખેડૂત સંગઠનોની જાહેરાત
- ખેડૂતોની જાહેરાત બાદ સ્થિતિ સંભાળવા વહીવટી તંત્ર કામે લાગ્યું
- 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન 3 દિવસ બંધ રહેશે ઈન્ટરનેટ સેવાઓ
પંજાબ હરિયાણાના ખેડૂતોએ એકબાર ફરી પોતાની માંગોને લઈને દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પહોંચવાની જાહેરાત કરી છે. તેને લઈને હરિયાણા સરકાર કડક પગલાં લઈ રહી છે. એક તરફ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે તો બીજી બાજુ અનેક જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
હરિયાણા સરકારે અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વૉઇસ કૉલ સિવાય મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, બલ્ક SMS અને મોબાઈલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી તમામ ડોંગલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ આદેશ 11 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી અમલમાં રહેશે.
હરિયાણાના અધિક ગૃહ સચિવ દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવેલા ખેડૂતોના આંદોલનના આહ્વાનને ધ્યાનમાં રાખીને, તણાવ, ઉશ્કેરણી, આંદોલન, જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન થવાની સંભાવના છે. અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં શાંતિ ડહોળાવાની આશંકા છે. આવી સ્થિતિમાં, મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, SMS સેવાઓ અને અન્ય ડોંગલ સેવાઓ પર સોશિયલ મીડિયા/મેસેજિંગ સેવાઓના માધ્યમથી જનતા સુધી પ્રસારિત કરી શકાય છે.
મોબાઈલ ફોન અને SMS પર વ્હોટ્સએપ, ફેસબૂક ટ્વિટર વગેરે જેવા જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મધ્યમથી ખોટી માહિતી અને અફવાઓને ફેલાતી રોકવા માટે દૂરસંચાર સેવાઓને અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે.
આ આદેશ હરિયાણા રાજ્યના ડબવાલી સહિત અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લાના અધિકારક્ષેત્રમાં શાંતિ અને જાહેર વ્યવસ્થામાં કોઈપણ ખલેલને રોકવા માટે જાહેર કરવામાં આવ્યો છે અને 11 ફેબ્રુઆરી 2024 (06:00) થી 13 ફેબ્રુઆરી 2024 (23:59 કલાક) દરમિયાન અમલમાં રહેશે.