નવા વર્ષે પોતાના વતન-ઘરે જવા માટે તત્કાલ ટિકિટ બુક કરાવી રહેલા લાખો રેલવે મુસાફરોને મંગળવારે નિરાશ થવું પડયું હતું. કેમ કે, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ની સેવાઓ ઠપ થઈ ગઈ હતી. એક જ મહિનામાં આ ત્રીજી વાર IRCTCની વેબસાઇટ ઠપ થઈ ગઈ હતી, જેથી મુસાફરોએ તત્કાલ ટિકિટ બુકિંગ કરાવવામાં પરેશાનીઓનો સામનો કરવો પડયો હતો. ટ્રેનની પસંદગીથી લઈને પેમેન્ટ સુધીના તબક્કાઓમાં યૂઝર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો.
પ્લેટફોર્મ પર દેખાઈ રહેલા ડાઉનટાઇમ મેસેજમાં લખ્યું હતું કે, બધી સાઇટ માટે બુકિંગ અને કેન્સલેશન સેવાઓ આગામી એક કલાક સુધી ઉપલબ્ધ નથી. તમે કેન્સલેશન કે TRD ફાઇલ કરવા માટે 139 પર કસ્ટમર કેરને કોલ કરી શકો છો. યૂઝર્સને સતત આ મેસેજ દેખાતો રહ્યો હતો અને તેઓ સેવાઓનો લાભ ન લઈ શક્યા. આ ઉપરાંત, કેટલાક યૂઝર્સને મેન્ટેનન્સ મેસેજ બતાવાયો કે સાઇટ પર કામ ચાલી રહ્યું છે, તેથી સેવાઓ થોડા સમય માટે બંધ છે. જોકે, વેબસાઇટ ડાઉન થવા મુદ્દે IRCTC તરફથી કશી પ્રતિક્રિયા કરવામાં નથી આવી.










