
અધિકારીઓએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-2 બાદ આ મિશનને ચંદ્રની ધરતી પર સુરક્ષિત લેન્ડિંગની ક્ષમતાના પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-2 મિશન છેલ્લા તબક્કામાં નિષ્ફળ ગયું હતું. તેનું લેન્ડર ચંદ્રની ધરતી પર આંચકા સાથે અથડાયું, ત્યારબાદ તેનો પૃથ્વીના કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રયાન-3 એ જ અધૂરા મિશનને પૂર્ણ કરવા માટે મોકલવામાં આવી રહ્યું છે. આમાં, ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી, રોવર તેમાંથી બહાર આવશે અને સપાટીની આસપાસ ફરશે.
લોન્ચની તારીખને લઈને પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં ISROના ચેરમેન એસ. સોમનાથએ કહ્યું હતું કે હજુ ચંદ્રયાન-3ના લોન્ચની ફાયનલ તારીખ નક્કી નથી. એજન્સી 12થી 19 દરમિયાન કોઈ એક તારીખે તેણે લોન્ચ કરી શકે છે. અમે ટૂંક સમયમાં કોઈ સંભવિત તારીખ પર વિચાર કરી રહ્યા છીએ, તે 12, 13, 14 અથવા 19 જુલાઇમાંથી કોઈ એક હોઇ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ રોકેટને એસેમ્બલ કરવાનું કામ ચાલી રહ્યું છે જે આગામી બે દિવસમાં પૂર્ણ થઈ શકે છે. ત્યારબાદ પરીક્ષણ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. જ્યારે તમામ પરીક્ષાનો પૂર્ણ થઈ જશે ત્યારે પ્રક્ષેપણની અંતિમ તારીખની જાહેરાત કરવામાં આવશે. જે 12 થી 19 જુલાઇ વચ્ચે કોઈપણ હોઇ શકે છે.

લેન્ડરમાં ચાર, રોવરમાં બે પેલોડ હશે
ચંદ્રયાન-3ના લેન્ડરમાં ચાર પેલોડ છે જ્યારે 6 પૈડાં વાળા રોવરમાં બે પેલોડ છે. આ ઉપરાંત, પ્રોપલ્શન મોડ્યુલમાં પણ સ્પેક્ટ્રો-પોલરીમેટ્રી પેલોડ છે જે ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીના વર્ણપટ અને ધ્રુવીય માપનો અભ્યાસ કરશે. લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં લાગેલા પેલોડ્સને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે જેની મદદથી વૈજ્ઞાનિકોને પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર વિશે વધુ જાણવામાં મદદ મળશે. પ્રોપલ્શન મોડ્યુલ લેન્ડર અને રોવરને ચંદ્રની ભ્રમણકક્ષાના 100 કિમી સુધી લઈ જશે.
લેન્ડર રોવરના જૂના નામ જ રહેશે
ISROએ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરને તે જ નામ આપવાનો નિર્ણય કર્યો છે જે ચંદ્રયાન-2ના લેન્ડર અને રોવરને આપવામાં આવ્યા હતા. તેનો અર્થ એ છે કે લેન્ડરનુ નામ વિક્રમ હશે જે ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે અને રોવરનુ નામ પ્રજ્ઞાન હશે.
તેના કયા કયા ચરણ છે?
ચંદ્રયાન-3 એ લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલથી બનેલું છે, જેનું કુલ વજન 3,900 કિલો છે. એકલા પ્રોપલ્શન મોડ્યુલનું વજન 2,148 કિગ્રા છે જે લેન્ડર અને રોવરને 100-કિમીની ચંદ્ર ભ્રમણકક્ષામાં લઈ જશે. લેન્ડર મોડ્યુલ લેન્ડરનું સંપૂર્ણ કનફિગરેશન જણાવે છે.
રોવરનું વજન 26 કિલો છે. આ રોવર ચંદ્રયાન-2 ના વિક્રમ રોવર જેવું જ હશે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગની ખાતરી કરવામાં મદદ કરવા માટે સુધારાઓ કરવામાં આવ્યા છે. પ્રોપલ્શન મોડ્યુલ 758 વોટ પાવર, લેન્ડર મોડ્યુલ 738 વોટ અને રોવર 50 વોટ જનરેટ કરશે.
શું છે ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય?
ISROના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત, સોફ્ટ લેન્ડિંગ અને રોવિંગની ક્ષમતા દર્શાવવાનો છે. આ ઉપરાંત, તેનો ધ્યેય ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવાનો અને આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી ટેકનોલોજી વિકસાવવા અને દર્શાવવાનો પણ છે.
શું છે ચંદ્રયાન-3
ચંદ્રયાન-3 અંતરીક્ષ યાનને સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટાથી એલવીએમ-3 (લોન્ચ વ્હીકલ માર્ક-3) દ્વારા લોન્ચ કરવામાં આવશે. ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3, ચંદ્રયાન-2નો નેક્સ્ટ પ્રોજેક્ટ છે જે ચંદ્રની ધરતી પર લેન્ડ થશે અને પરીક્ષણ કરશે. તેમાં લેન્ડર અને રોવર પણ સામેલ હશે.
તે ચંદ્રયાન-2 જેવું જ દેખાશે, જેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડ કરવા પર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે, અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે અને જે કારણોને કારણે ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર ઉતરવામાં નિષ્ફળ ગયેલા તે કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ચંદ્રયાન-3ના લોન્ચની જાહેરાત ચંદ્રયાન-2ના લેન્ડર-રોવરના ક્રેશના ચાર વર્ષ બાદ કરવામાં આવી છે. ચંદ્રયાન-3 મિશન જુલાઈમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રના તે ભાગે લોન્ચ થવાની આશા છે જેને ડાર્ક સાઇડ ઓફ મૂન કહેવામાં આવે છે. આવું એટલા માટે છે કે આ ભાગ પૃથ્વીની સામે આવતો નથી.