- કાશ્મીરનાં ઉપરાજ્યપાલને હવે પોલીસ, જાહેર વ્યવસ્થા AIS ને લગતા મામલામાં LGને વધુ અધિકારો અપાયા
- હવે દિલ્હીની જેમ અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે LGની મંજૂરી જરૂરી
- જમ્મુ-કાશ્મીરનાં LGની મંજૂરી વિના અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર કરી શકાશે નહીં
સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં સપ્ટેમ્બર સુધીમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનાં ઉપરાજ્યપાલ (LG)ને દિલ્હીનાં LGની જેમ વધુ સત્તાઓ અને અધિકારો આપવામાં આવ્યા છે.
આ માટે કેન્દ્રનાં ગૃહમંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન એક્ટ 2019ની કલમ 55માં સુધારા કરતા નિયમોને નોટિફાઇડ કરવામાં આવ્યા છે. દિલ્હીની જેમ હવે જમ્મુ-કાશ્મીરનાં LGની મંજૂરી વિના અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર કરી શકાશે નહીં. જમ્મુ-કાશ્મીરના LG પાસે હવે પોલીસ, કાયદો અને વ્યવસ્થા તેમજ ઓલ ઈન્ડિયા સર્વિસ (AIS) ને લગતા કેસો અંગે વધુ અધિકારો રહેશે. એક અહેવાલ મુજબ સરકાર દ્વારા ફક્ત વેપારને લગતા નિયમોમાં સુધારો કરાયો છે.
જમ્મુમાં સરકાર કોઈની પણ હોય સર્વસત્તાધીશ LG જ રહેશે
જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કાયદામાં કરાયેલા સુધારા મુજબ રાજ્યમાં હવે કોઈની પણ સરકાર હોય પણ મહત્ત્વના નિર્ણયો લેવાની સત્તા LG પાસે જ રહેશે. સરકારે 12 જુલાઈએ કાયદામાં સુધારા કર્યા પછી નોટિફિકેશન જાહેર કર્યું છે.
કયા નિયમોમાં ફેરફાર કરાયા?
કલમ 42 A : પોલીસ, જાહેર કાયદો અને વ્યવસ્થા, અખિલ ભારતીય સેવા તેમજ એન્ટિ કરપ્શન બ્યૂરો (છઝ્રમ્)ને લગતા તમામ પ્રસ્તાવ જ્યાં સુધી રાજ્યનાં મુખ્ય સેક્રેટરી દ્વારા LG સમક્ષ રજૂ કરવામાં નહીં આવે અને તેને LG દ્વારા મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેનો અમલ કરી શકાશે નહીં. હાલ આ પ્રકારનાં કેસો અમલી બનાવવા નાણાવિભાગની મંજૂરી લેવી પડે છે.
કલમ 42 B : કોઈપણ પ્રકરણમાં કેસ ચલાવવા માટે મંજૂરી આપવી કે ન આપવી અથવા અપીલ કરવી કે ન કરવી તે અંગેની કોઈપણ દરખાસ્ત મુખ્ય સેક્રેટરી દ્વારા LG સમક્ષ રજૂ કરવાની રહેશે અને LGની મંજૂરી પછી જ તેનો અમલ કરાશે.
LG સમક્ષ ભીખ માંગવી પડશે : ઓમર
ઓમર અબ્દુલ્લાએ સરકારના નિર્ણયની ટીકા કરતા કહ્યું હતું કે, એક પટાવાળાની નિમણૂક કરવા માટે પણ હવે LG પાસે ભીખ માંગવી પડશે.