સંસદમાં થઇ રહેલા હોબાળા વચ્ચે હવે વિપક્ષે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ મોરચો ખેલ્યો છે. જગદીપ ધનખડને પદ પરથી હટાવી દેવા માટે ઇન્ડિયા ગઠબંધન અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે. આજે બપોરે 1.37 કલાકે રાજ્યસભાના મહાસચિવને પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવમાં જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર 60 સભ્યોની સહી કરી છે.


ફ્લોર લીડર્સે નથી કર્યા હસ્તાક્ષર

મહત્વનું છે કે વિપક્ષી દળોએ રાજ્યસભામાં સંવિધાનની કલમ 67-બી હેઠળ ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાની માગણી સાથે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિને હટાવવાની માંગ સાથે લાવવામાં આવ્યો છે, જેઓ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ પણ છે. આ દરખાસ્ત પર સોનિયા ગાંધી કે કોઈપણ પક્ષના ફ્લોર લીડરોએ હસ્તાક્ષર કર્યા નથી.

રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ

કોંગ્રેસના જયરામ રમેશ અને પ્રમોદ તિવારી તેમજ તૃણમૂલ કોંગ્રેસના નદીમ ઉલ હક અને સાગરિકા ઘોષે રાજ્યસભાના મહાસચિવને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિરોધ પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવમાં એવો આરોપ લગાવ્યો છે કે તેમને બોલવા દેવામાં આવતા નથી. અધ્યક્ષ પક્ષપાત કરે છે. એક દિવસ અગાઉનું ઉદાહરણ આપતા વિપક્ષી દળોએ કહ્યું હતું કે ટ્રેઝરી બેંચના સભ્યોને બોલવાની તક આપવામાં આવી હતી પરંતુ જ્યારે વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે બોલી રહ્યા હતા ત્યારે તેમને અટકાવી દેવામાં આવ્યા હતા.

આ નિર્ણય પીડાદાયક છે- જયરામ રમેશ

જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પોસ્ટ કરતા કહ્યું કે રાજ્યસભાના અધ્યક્ષ પર ઉપલા ગૃહની કાર્યવાહી પક્ષપાતી રીતે ચલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે ઈન્ડિયા બ્લોકના ઘટક પક્ષો પાસે અધ્યક્ષ સામે ઔપચારિક રીતે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સાથે જ આ નિર્ણયને પીડાદાયક ગણાવતા તેમણે કહ્યું કે સંસદીય લોકશાહીના હિતમાં આ અભૂતપૂર્વ પગલું ભરવું પડશે. આ પ્રસ્તાવ હવે રાજ્યસભાના મહાસચિવને સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે દેશના સંસદીય ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વિરોધ પક્ષો ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.

  • Follow us on: