મુંબઈમાં વિલે પાર્લેમાં જૈન મંદિર તોડતા જૈન સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિલે પાર્લેમાં 90 વર્ષ જૂનું દિગંબર જૈન મંદિર પર બુલડોઝર ફેરવતા રોષે ભરાયેલા જૈન સમુદાયે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જૈન મંદિર પર બુલડોઝર ફેરવતા જૈન સમુદાય અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કાર્યાલય સુધી મૌન રેલી કાઢવામાં આવી. જૈન સમાજના અગ્રણીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાને વખોડતા ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો.


 BMCનું જૈન મંદિર પર બુલ઼ડોઝર

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટના આદેશનો અનાદર કરી 16 એપ્રિલ, 2025ના રોજ જૈન મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. આ જૈન મંદિર નેમિનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, કંબલીવાડીમાં સ્થિત હતું. મંદિરના ટ્રસ્ટી અનિલ શાહે કહ્યું કે આ મંદિર 1960માં બનાવ્યું હતું અને BMCની મંજૂરી બાદ મંદિરનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું. BMC દ્વારા મંદિર તોડવાની કાર્યવાહી કરાતા ધાર્મિક પુસ્તકો અને મંદિરમાં રહેલા પવિત્ર સામાનને નુકસાન પંહોચ્યું છે. શાહે આ કાર્યવાહી પાછળ સ્થાનિક હોટેલિયરના હિતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

વહીવટીતંત્રને કરી રજૂઆત

BMC દ્વારા જૈન મંદિર તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી ત્યારે જૈન ધાર્મિક નેતાઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જૈન ધાર્મિક નેતાઓએ વિનંતી કરતા કહ્યું હતું કે તેમને થોડો સમય આપવામાં આવે. જેના બાદ હાઈકોર્ટે બપોર સુધી મંદિર તોડી પાડવા પર કામચલાઉ સ્ટે મૂક્યો હતો. પરંતુ કોર્ટનો આદેશ આવે ત્યાં સુધીમાં BMCનું બુલડોઝર મંદિર પર ફરી વળ્યું હતું અને ઘણો બધો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. કોર્ટના આદેશની અવગણના કરતા જૈન સમુદાય અને ધાર્મિક નેતાઓએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પોતાની મનમાની કરનાર જવાબદાર વોર્ડ ઓફિસર સામે કડક કાર્યવાહી તેમજ મંદિરને તે જ જગ્યાએ ફરીથી સ્થાપિત કરવામાં આવે જ્યાં તે સ્થિત હતું તેવી માગ કરી. વહીવટીતંત્ર આ મામલે શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે.

  • Follow us on: