ગૃહમંત્રી અમિત શાહ આજે ચૂંટણી પ્રચાર માટે જમ્મુ-કાશ્મીરના રામબન ગયા છે. તેમણે જનતાને કહ્યું કે, આ ચૂંટણી બે લોકો વચ્ચે છે, જેઓ જમ્મુ-કાશ્મીરને આતંકવાદની આગમાં ફેંકવા માંગે છે અને બીજા જેઓ જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, હું તેમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષોથી સળગતા જમ્મુ-કાશ્મીરની જવાબદારી કોણ લેશે?
અમિત શાહે રાહુલ ગાંધી અને ફારૂક ઇબ્દુલ્લા પર પ્રહાર કર્યા
જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ચૂંટણી પ્રચાર માટે અને મતદારોમાં ઉત્સાહ વધારવા માટે રામબન પહોંચ્યા છે. જ્યાં તેમણે જનતાને સંબોધન કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાના ભાષણમાં તેમણે જનતાને પૂછ્યું કે, તમારે નક્કી કરવાનું છે કે તમે કયા રસ્તે જશો? તેમણે કહ્યું કે, આ ચૂંટણી બે લોકો વચ્ચે છે. એક તરફ એ લોકો છે જેમણે જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી સળગાવી દીધું છે. 35 વર્ષ સુધી રાજકીય લાભ માટે જમ્મુ-કાશ્મીર સળગતું રહ્યું. 40,000થી વધુ લોકો શહીદ થયા હતા. રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, હું તેમને પૂછવા માંગુ છું કે, આટલા વર્ષોથી સળગતા જમ્મુ-કાશ્મીરની જવાબદારી કોણ લેશે?
આર્ટિકલ 370એ માત્ર ગરીબી, બેરોજગારી અને આતંકવાદ આપ્યા છે
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ આગામી સમયમાં બીજો ધ્વજ લાવવાનો પ્રયાસ કરશે, પરંતુ હવે જમ્મુ-કાશ્મીરમાં એક જ ધ્વજ હશે, તે છે આપણો પ્રિય ત્રિરંગો. અમિત શાહે વધુમાં કહ્યું કે, આ લોકો કલમ 370 અને 35A પાછી લાવવા માંગે છે. હું મુસ્લિમ ભાઈઓ અને બહેનોને પણ પૂછવા માંગુ છું કે, આ કાયદાએ તમને શું આપ્યું? ગરીબી, ભૂખમરો, બેરોજગારી અને આતંકવાદ. કલમ 370ના લાભાર્થી માત્ર ત્રણ પરિવારો છે, અબ્દુલ્લા પરિવાર, ગાંધી પરિવાર અને મુફ્તી પરિવાર. આ પરિવારો કલમ 370 પાછી લાવવા માંગે છે. તેઓ પાકિસ્તાન સાથે વાત કરવા માંગે છે, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ.
જેમના હાથમાં લેપટોપ અને તિરંગો હશે તેમને નોકરી મળશે
ગૃહમંત્રીએ કહ્યું કે, જે હાથમાં લેપટોપ અને તિરંગો લઈને આવશે તેમના માટે મોદીજીએ નોકરીની વ્યવસ્થા કરી છે અને જેમના હાથમાં બંદૂક હશે તેમના માટે જેલના સળિયા તૈયાર છે. તેમણે કહ્યું કે, હમણાં જ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે અફઝલ ગુરુને ફાંસી આપવી જોઈતી ન હતી. ઉમર અબ્દુલ્લા વોટ બેન્કની રાજનીતિ કરે છે. ઉમર અબ્દુલ્લાને કહેવા માંગુ છું, તમે આગ સાથે રમી રહ્યા છો. આતંકવાદથી કોઈનું ભલુ થયુમ નથી.