જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સૈન્ય સતત લડત આપી રહ્યુ છે. નાપાક આતંકીઓના મનસૂબાને ઠાર કરવા સુરક્ષા દળો તૈનાત છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં સેનાના જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે એટલે કે ગુરુવારે સાંજે આતંકવાદીઓનું એક જૂથ નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ સુરક્ષા દળોએ સરહદ પારથી આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી દીધી અને ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા.

પૂંછમાં જોવા મળી હતી આતંકીઓની ગતિવિધિ
મહત્વનું છે કે પૂંછમાં નિયંત્રણ રેખા પર ખારમલ વિસ્તારમાં તૈનાત સૈન્ય જવાનોએ થોડી હિલચાલ જોઈ. ઘૂસણખોરીની શક્યતાને ધ્યાનમાં રાખીને, સૈનિકોએ નજીકની સુરક્ષા ચોકીઓને ચેતવણી આપી અને આતંકવાદીઓને દેખાતાની સાથે જ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે અને વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગોળીબાર
મહત્વનું છે કે આ પહેલા પણ 24 જાન્યુઆરીના રોજ કઠુઆમાં ગોળીબાર થયો હતો. ત્યાં આતંકીઓ છૂપાયા હોવાની આશંકા જતા સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતુ. લગભગ રાત્રે 1.30 વાગે આતંકવાદીઓની ગતિવિધિઓનો ખ્યાલ આવ્યો જેથી સેનાએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. લગભગ અડધા કલાક સુધી બંને બાજુએથી ગોળીબાર ચાલુ રહ્યો. જોકે આ ગોળીબારમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ આતંકવાદીઓ હતા, જેઓ કાર્યવાહી પછી નજીકના જંગલ તરફ ભાગી ગયા હતા.

JKમાં લગભગ 25 સ્થળો પર દરોડા
આ તરફ જમ્મુ અને કાશ્મીરમાં પોલીસ અને સેનાએ સાથે મળીને સક્રિય આતંકવાદીઓ અને તેમના પરિવારોના લગભગ 25 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ટીમને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને વાંધાજનક સામગ્રીઓ મળી આવી હતી. આ કાર્યવાહી NIA કોર્ટમાંથી મળેલા વોરંટના આધારે કરવામાં આવી હતી. રાજૌરી, નૌશેરા, થાણા મંડી, ધાર હોલ, કોટરંકા, બુધલ, માંજાકોટ અને ચિંગાસ સહિત વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

  • Follow us on: