જમ્મુ કાશ્મીરમાં એલઓસી પાસે આઇઇડી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યુ છે. સેનાના 2 જવાન શહીદ થયા હોવાનું સામે આવ્યું છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  મળતી માહિતી મુજબ બપોરે 3.30 કલાકે જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન અંતર્ગત કેરી બટ્ટલ ક્ષેત્રમાં એલઓસી પાસે આઇઇડી બ્લાસ્ટ થયો. જેમાં સેનાના 3 જવાન ઘાયલ હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 જવાન શહીદ થયા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. 


સર્ચ ઓપરેશન તેજ 

અધિકારીઓના જણાવ્યા મુજબ અખનૂર સેક્ટરમાં એલઓસીની નજીક સેના સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. તે દરમિયાન જ આતંકીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો. જેમાં 3 સૈનિકો ઘાયલ થયા હતા. સૂચના મળતા જ સેનાનો કાફલો ત્યાં પહોંચી ગયો અને ઘાયલ સૈનિકોને હોસ્પિટલ પહોંચાડીને સર્ચ ઓપરેશન તેજ કર્યુ હતું. 

 વિસ્તારને ઘેરી લેવાયો 

પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ના વિસ્ફોટને કારણે થયો હતો, જે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે સોમવારે, રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ગોળીબારમાં સેનાનો એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જવાન નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં એક ફોરવર્ડ પોસ્ટ પર તૈનાત હતો ત્યારે તેને ગોળી વાગી હતી અને તેને તાત્કાલિક લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ બપોરે લગભગ 2.40 વાગ્યે નિયંત્રણ રેખા પારથી ગોળીબાર થયો હતો.

8 ફેબ્રુઆરીએ થયુ હતુ ફાયરિંગ 

અગાઉ 8 ફેબ્રુઆરીના રોજ, કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પેલે પારના જંગલમાંથી આતંકવાદીઓએ સેનાની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો, જેઓ આ બાજુ પ્રવેશવાની તક શોધી રહ્યા હતા. ભારતીય સૈનિકોએ પણ જવાબી કાર્યવાહીમાં થોડા રાઉન્ડ ગોળીબાર કર્યો અને ત્યારબાદ વિસ્તારમાં કડક નજર રાખવા માટે ઘૂસણખોરી વિરોધી ગ્રીડને મજબૂત બનાવવામાં આવી.

  • Follow us on: