- જમ્મુ કાશ્મીરમાં વરસાદી માહોલ
- શ્રીનગર સહિત અનેક જિલ્લામાં નદી નાળામાં વધ્યા પાણી
- પાંપોરમાં વાદળ ફાટવાની બની ઘટના
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. ગુરુવારે વહેલી સવારે જમ્મુ અને શ્રીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઉભરાઈ ગયા હતા. પુલવામાના પમ્પોરમાં વાદળ ફાટવાના કારણે એક મકાનમાં પાણી ભરાઈ ગયા હતા, જોકે કોઈ નુકસાન થયું ન હતું.
નીચાણવાળા વિસ્તારો પાણી પાણી
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે રામબનના હિંગનીમાં સવારે 8 વાગ્યે પથ્થરો પડવાને કારણે એક કલાક સુધી બંધ રહ્યો હતો. વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર સેવા દિવસભર બંધ રહી હતી. જમ્મુમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના ભથિંડી વિસ્તારમાં બે મકાનો ધરાશાયી થયા છે.
નદીઓ બની તોફાની
રાજ્યની તમામ નદીઓ અને નાળાઓના જળસ્તરમાં વધારો થતા વહીવટીતંત્રે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. રાજોરીમાં સવારથી બપોર સુધી ભારે વરસાદ પડ્યો હતો. રિયાસી, સાંબા, કઠુઆ, પૂંછ, ડોડા, શ્રીનગરમાં પણ વરસાદ નોંધાયો છે. રાજોરી, સાંબા અને પૂંચમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે જિલ્લા મુખ્યાલયથી ઘણા ગામડાઓ કપાઈ ગયા હતા.
કોઇ નુકસાનીના અહેવાલ નહી
બુધલ, ગબ્બર, કોતરકા ખવાસ, ધલેરી, બદલ તરફ જતા લિંક રોડ પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. કેટલાક ગામોમાં મકાનોને નુકસાન થયાના અહેવાલ છે. સાંબામાં રાત્રે 1 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. પૂંચ જિલ્લામાં સવારે 9 વાગ્યે શરૂ થયેલો વરસાદ બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
હળવાથી ભારે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુમાં 112 મીમી, રિયાસીમાં 74.5 મીમી, કટરામાં 72.9 મીમી, ઉધમપુરમાં 32.2 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ શ્રીનગરે 5 ઓગસ્ટ સુધી કાશ્મીર અને જમ્મુ વિભાગમાં મોટા ભાગના સ્થળોએ સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના સંવેદનશીલ સ્થળોએ અચાનક પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનની સંભાવના છે.









