જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ 28 પ્રવાસીઓને ઠાર કરતા દેશભરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આતંકવાદી હુમલામાં ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં સુરક્ષાદળોએ આજે આતંકીઓના આકા લશ્કરનો ટોપ કમાન્ડર અલ્તાફ લાલીને ઠાર કર્યો. આજે સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઉધમપુર જિલ્લાના બાંદીપોરામાં અથડામણ શરૂ થઈ હતી. જેમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી. અલ્તાફ લાલી કમાન્ડ બાદ હવે ઘાટીમાં છુપાયેલા અન્ય આતંકીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. પહેલાગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પેદા થયો છે. બંને દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિને પગલે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. વર્તમાન સ્થિતિની અસર જોતા જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો ભારત અને પાકિસ્તાનના સૈન્ય પાસે કેટલી શક્તિ છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે.


ભારત પાસે પૃથ્વી-3, બેરેક-8, K-4,   અગ્નિ-૫  અને બ્રહ્મોસ જેવી શક્તિશાળી મિસાઈલ છે. 

 પૃથ્વી-3 : ભારત પાસે વિશ્વની સૌથી શક્તિશાળી અને ખતરનાક મિસાઇલ પૃથ્વી-3 છે.  જમીન પર ટૂંકા અતરે હુમલો કરવામાં પૃથ્વી-3 મિસાઈલ સૌથી વધુ ઘાતક માનવામાં આવે છે. આ મિસાઈલનું વજન 5600 કિલો છે જ્યારે તે 750 કિલોમીટરની રેન્જમાં જોરદાર પ્રહાર કરી શકે છે. 9 મીટરની લંબાઈ ધરાવતી પૃથ્વી મિસાઈલમાં સાત પ્રકારના હથિયારો સ્થાપિત કરી શકાય છે. પૃથ્વી-3 મિસાઈલ જે વિસ્તારમાં પ્રહાર કરે છે ત્યાંના 25 મીટર સુધીના વિસ્તારનો સંપૂર્ણ વિનાશ થાય છે આસપાસની તમામ વસ્તુઓ નાશ પામે છે. કહી શકાય કે જમીન માર્ગ પર ટૂંકા હુમલામાં પૃથ્વી-3 મિસાઈલ ભારતનું વધુ ઘાતક હથિયાર છે.

બેરેક-8 (બરાક-8) : પૃથ્વી-3 ટૂંકા અંતર પર પ્રહાર કરતી મિસાઈલ છે જ્યારે લાંબા અંતર પર હુમલો કરવા માટે બેરેક-8 વધુ શક્તિશાળી મિસાઈલ ભારત પાસે છે. ભારત સૈન્યની ત્રણેય પાંખ બેરેક-8 મિસાઈલનો ઉપયોગ કરે છે. બેરેક-8 મિસાઈલનું વજન 275 કિલો અને લંબાઈ 4.5 મીટર છે. લાંબા અંતર પર પ્રહાર કરવામાં સૌથી વધુ શક્તિશાળી આ મિસાઈલ પર 60 કિલોગ્રામનું વોરહેડ મૂકી ઘાતક હુમલો કરી શકાય છે. આ મિસાઈલની ખાસ વિશેષતા છે કે તેનું રોકેડ ધુમાડો છોડ્યા વગર આકાશમાં ઉડાન ભરે છે. 2469 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ મિસાઈલ 16 થી 30 કિલોમીટરની રેન્જમાં દુશ્મનો પર પ્રહાર કરી શકે છે. 

K-4 મિસાઇલ : ભારતના નૌકાદળમાં K-4 મિસાઈલનો થોડા વર્ષ જ પહેલા સમાવેશ કરવામાં આવ્યો.  K-4 મિસાઈલ મધ્યમ શ્રેણીમાં આવતી મિસાઈલ છે અને તેનું વજન 17 ટન છે જ્યારે તેની ઓપરેશનલ રેન્જ 3500 કિમી છે. 12 મીટર લાંબી આ મિસાઈલની વિશેષતા છે કે તે દુશ્મનો વચ્ચેથી અચાનક દિશા બદલી તેમનો ખાતમો કરી શકે છે. પાકિસ્તાન પાસે ભારતની આ મિસાઈલનો કોઈ વિકલ્પ નથી. 

અગ્નિ-5 : ભારતની અગ્નિ-5 મિસાઈલ તેના નામને સાર્થક કરે છે. એટલે કે આ મિસાઈલ ભારતની સૌથી તાકતવાર અને પ્રભાવશાળી મિસાઇલોમાંની એક છે.  અગ્નિ-5 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું વજન અંદાજે 50 થી 56 હજાર કિલોગ્રામ માનવામાં આવે છે. 17.5 મીટર લાંબી આ મિસાઈલમાં પરમાણુ શસ્ત્રો વહન કરવાની અદ્ભુત શક્તિ છે. આ મિસાઈલની અન્ય વિશેષતાઓ જાહેર કરવામાં આવી નથી.  આ મિસાઈલ 1500 કિલોગ્રામના વજનના હથિયાર ઉપાડવાની ક્ષમતા ધરાવે છે.

બ્રહ્મોસ : ભારતની આ મિસાઈલની વિશ્વની ખતરનાક મિસાઈલમાં ગણના થાય છે. ભારતની આ મિસાઈલ સૌથી વધુ ઘાતક અને પ્રચંડ છે. ભારતની ત્રણેય પાંખમાં આ મિસાઈના જુદા-જુદા વર્ઝન સામેલ છે. બ્રહ્મોસ મિસાઈલનું વજન 3000 કિલો છે જ્યારે તેની લંબાઈ 8.4 છે. એક અંદાજ મુજબ બ્રહ્મોસ મિસાઈલ 400 થી 700 કિલોમીટર સુધીનો માનવામાં આવે છે. પ્રતિ કલાક 4939 કિલોમીટરની ગતિએ આ મિસાઈલ સમુદ્રથી 3 થી 4 ઉપર જ ઉડતી હોવાથી વધુ ઘાતક છે ગણાય છે. 

ભારતની જેમ પાકિસ્તાન પાસે પણ ઘાતક મિસાઈલો છે. પાકિસ્તાન પાસે બાબર, શાહીન-1, ગૌરી, શાહીન-2 અને શાહીન-3 એમ પાંચ મિસાઇલો છે.

બાબર : પાકિસ્તાન પાસેની બાબર મિસાઈલ મધ્યમ અંતરની સબસોનિક ક્રુઝ મિસાઇલ છે. બાબર મિસાઈલનું વજન 1500 કિલો છે. જયારે તેની લંબાઈ 6.2 મીટર છે. તે 450 થી 500 કિલોગ્રામ પરંપરાગત અથવા પરમાણુ હથિયાર વહન કરી શકે છે. બાબર મિસાઇલના સાત પ્રકારો છે. મહત્તમ રેન્જ 900 કિલોમીટર છે. તેની ગતિ 990 કિલોમીટર પ્રતિ કલાક છે. આનો સામનો કરવા માટે ભારતની નિર્ભય મિસાઇલ પૂરતી છે. 

શાહીન-1 : શાહીન-1 મિસાઈલની રેન્જ અંદાજે 750 થી 1000 કિલોમીટર છે અને તેનું વજન 10 હજાર કિલોગ્રામ છે. 12 મીટર લાંબી આ મિસાઈલમાં 1000 કિલોગ્રામનું સિંગલ વોરહેડ ઇન્સ્ટોલ કરી શકાય છે. શાહીન-1ને ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલોની શ્રેણીમાં મૂકવામાં આવી છે. 10 એપ્રિલ 2013 બાદ આ મિસાઈલનું કોઈ પરીક્ષણ થયું નથી એટલે તે કેટલી અસરકારક છે તેને લઈને શંકા છે.

ગૌરી : પાકિસ્તાનની ત્રીજી સૌથી ખતરનાક ગણાતી ગૌરી મિસાઈલ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે. ગૌરી મિસાઈલનું વજન 15,850 કિલો છે. અને તેની લંબાઈ 15.90 મીટર છે. એક અંદાજ ગૌરી મિસાઈલની ઓપરેશનલ રેન્જ 1500 કિમી સુધીની માનવામાં આવે છે.  આ મિસાઈલનું પણ દાયકા અગાઉ એટલે કે છેલ્લે 2015માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

શાહીન-2 : પાકિસ્તાન તરફથી બીજી ભારે મિસાઇલ. 25 હજાર કિલોગ્રામ વજનની આ મિસાઇલ 2500 કિલોમીટરની રેન્જ ધરાવે છે. તે હવામાં 300 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. 17.5 મીટર લાંબી મિસાઇલ છે. આ મિસાઈલમાં ઉચ્ચ-તીવ્રતાવાળા વિસ્ફોટકો અથવા પરમાણુ શસ્ત્રો ફીટ કરી શકાય છે. 

શાહીન-3  : શાહીન-3 મિસાઈલ શાહીન મિસાઈલના અન્ય વર્ઝનને અપડેટ કરીને બનાવવામાં આવી હોવાનું  કહેવાય છે. શાહીન-3 મિસાઈલ પાકિસ્તાનની સૌથી ખતરનાક મિસાઇલ છે. 19.3 મીટર લાંબી આ મિસાઇલની 2750 રેન્જમાં હુમલો કરી શકે છે. એક રીતે કહી શકાય કે પાકિસ્તાની આ મિસાઈલની ગણના વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઈલમાં થાય છે.  મલ્ટી-સ્ટેજ સોલિડ-ફ્યુઅલ રોકેટ પર આ મિસાઇલ ચીન સુધી પંહોચવાની ક્ષમતા ધરાવે છે. 9 એપ્રિલ 2022 ના રોજ તેનું છેલ્લું પરીક્ષણ કરાયુ હતું.

જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાને  પગલે ભારતની જવાબી કાર્યવાહી કરતા મહત્વના નિર્ણયો લીધો. જેમાં વિશેષ કરીને સિંધુ જળ સંધિ કરાર સમાપ્ત કરવા અને અટારી ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો. ભારતના આ પગલાથી પાકિસ્તાન હચમચી ગયું છે અને ભારતના નિર્ણયને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત બાદ ભારતે મંગળવારે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. ભારતની આ જાહેરાત બાદ પાકિસ્તાને પણ સિમલા કરાર મુદ્દે જાહેરાત કરી છે. પાકિસ્તાને ગુરુવારે ઐતિહાસિક ૧૯૭૨ના શિમલા કરારને સ્થગિત કરવાની જાહેરાત કરી. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી બંને દેશો વચ્ચે થયેલી આ એક મહત્વપૂર્ણ સંધિ હતી. બંને દેશો વચ્ચે અત્યારે સંઘર્ષ ચરમસીમા પર છે. બંને દેશોની સેનાઓ પણ સજ્જ થઈ રહી છે. આગામી સમય બંને દેશો માટે વધુ પડકારરૂપ બની શકે છે.

  • Follow us on: