• અમિત શાહ કરશે હાઇલેવલની બેઠક
  • અમરનાથ યાત્રા અને આતંકી હુમલાને લઇને કરશે ચર્ચા
  • બેઠકમાં NSA,આર્મી ચીફ રહેશે હાજર
જમ્મુમાં છેલ્લા ઘણા દિવસોથી થઇ રહેલા આતંકી હુમલાને લઇને તથા અમરનાથ યાત્રાની સુરક્ષાને લઇને ગૃહમંત્રાલય આજે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે.
કોણ રહેશે હાજર ?
નોર્થ બ્લોકમાં સવારે 11 વાગ્યે આ બેઠક યોજાશે. જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ, IB ચીફ, RAW ચીફ, NIAના DG, તમામ અર્ધલશ્કરી દળોના DG, આર્મી અને એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ હાજર રહેશે.
બેઠકમાં શું થશે ચર્ચા ?
મીટિંગમાં IB અને RAW ચીફ કેન્દ્રીય ગૃહમંત્રીને વર્તમાન ગુપ્તચર અહેવાલની માહિતી આપશે. ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ ક્ષેત્રમાં જે રીતે આતંકવાદી ઘટનાઓ વધી છે તેના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ ક્ષેત્રમાંથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે એક સંકલિત યોજના બનાવવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે અમરનાથ યાત્રા કડક સુરક્ષા હેઠળ યોજાશે અને આ બેઠકમાં જરૂરી સૈનિકો અને સાધનોની સમીક્ષા કરવામાં આવશે. તેમજ અમરનાથ યાત્રાના રૂટ પર કોઈ સમસ્યા ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા AI આધારિત મોનિટરિંગ કરવામાં આવશે.

શુક્રવારે પણ મળી હતી બેઠક 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં શુક્રવારે  સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, જમ્મુની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તાજેતરના સમયમાં જમ્મુ સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) દ્વારા ભારતમાં ઘૂસણખોરી સતત વધી રહી છે. તેમજ સંભવિત અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી કોઈ મોટું કાવતરું ઘડી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.. અમરનાથ યાત્રાને લઇને 500થી વધારે કંપનીઓ તૈનાત હશે તેમ સુરક્ષા અને રક્ષા એજન્સીની બેઠકમાં આ મોટો નિર્ણય લેવાયો.
  • Follow us on: