- 150 સાક્ષીઓ સાથે વાતચીત કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર થયો
- 29 ઓગસ્ટે યોજાનારી રાજ્ય કેબિનેટની બેઠક સમક્ષ મૂકવામાં આવશે
- જયલલિતાનું અવસાન 5 ડિસેમ્બર 2016ના રોજ એપોલો હોસ્પિટલ ચેન્નાઈમાં થયું હતું
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના મૃત્યુના સંજોગોની તપાસ કરનાર પંચે શનિવારે રાજ્ય સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તેને 29 ઓગસ્ટે યોજાનારી રાજ્ય કેબિનેટની બેઠક સમક્ષ મૂકવામાં આવશે. જસ્ટિસ અરુમુગાસ્વામીએ 150 સાક્ષીઓ સાથે વાતચીત કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સુપરત કર્યા બાદ કમિશને કહ્યું કે હવે તે સરકારને નક્કી કરવાનું છે કે તેને સાર્વજનિક કરવું કે નહીં. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે સોમવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં રિપોર્ટ મૂકવામાં આવે. તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
2016માં જયલલિતાને બીમાર પડતાં અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયલલિતાનું અવસાન 5 ડિસેમ્બર 2016ના રોજ એપોલો હોસ્પિટલ ચેન્નાઈમાં થયું હતું. આ દરમિયાન અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જયલલિતાના વિશ્વાસુ અને પૂર્વ સીએમ ઓ. પનીરસેલ્વમે જયલલિતાના મૃત્યુની તપાસની માંગણી કરી હતી.
શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ જયલલિતાના મૃત્યુના સંજોગોની તપાસ કરવાનું વચન આપ્યું હતું અને જો રાજ્યમાં એપ્રિલ 2021ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોઈ દોષિત જણાય તો ફરીથી કાયદેસરની કાર્યવાહી કરશે. અરુમુગાસ્વામી તપાસ પંચે 22 નવેમ્બર 2017ના રોજ તપાસ શરૂ કરી હતી. જસ્ટિસ અરુમુગાસ્વામી મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ છે. AIADMKના ટોચના નેતા ઓ પનીરસેલ્વમ, જયલલિતાની ભત્રીજી દીપા અને ભત્રીજા દીપક, ડોકટરો, ટોચના અધિકારીઓ અને ભૂતપૂર્વ આરોગ્ય મંત્રીઓ સી. વિજયભાસ્કર, એમ થામ્બી દુરાઈ, સી પોન્નૈયા અને મનોજ પાંડિયન પણ અરુમુગાસ્વામી કમિશન સમક્ષ નિવેદન આપનારાઓમાં સામેલ હતા.