જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.હાલ શાંતિ પૂર્ણ માહોલમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજે 24 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે મતદાનને લઇને પીએમ મોદીએ જનતાને ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે હું લોકોને વિનંતી કરું છું કે તે તમામ મતવિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીના તહેવારને મજબૂત કરે. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરું છું તેમ જણાવ્યું હતું.

219 ઉમેદવારોનું ભાવિ દાવ પર
ઉલ્લેખનીય છે કે ભાજપ, પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ઉપરાંત નાની પાર્ટીઓએ પણ જમ્મુ-કાશ્મીરમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સૌથી વધુ ઉમેદવારો પુલવામા જિલ્લાની પંપોર બેઠક પર છે, જ્યાં ઉમેદવારોની સંખ્યા 14 છે. પ્રથમ તબક્કા માટે કુલ 279 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં 60 લોકોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા અને હવે 219 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.


આ બેઠકો પર મતદાન
પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તે છે- પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેવસર, ડોરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ- અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલ.

બિજબેહરા બેઠક પર પણ ચૂંટણી
પ્રથમ તબક્કાના 219 ઉમેદવારોમાં 9 મહિલા અને 92 અપક્ષ ઉમેદવારો છે. બિજબેહરા સીટ જે મુફ્તી પરિવારનો ગઢ હતો, તે પણ આ તબક્કામાં છે. પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા પહેલીવાર અહીંથી ચૂંટણી લડી રહી છે. મહેબૂબા અને તેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

  • Follow us on: