ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ દેશવિરોધી પ્રવૃત્તિઓને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓ વધુ સર્તક થઈ છે. દરમિયાન હરિયાણાની યુટયુબરની પાકિસ્તાન અને ચીન મુલાકાતો વધતા સુરક્ષા એજન્સીના રડારમાં આવી. જેની સઘન તપાસ કરતા યુટયુબર પાકિસ્તાન માટે જાસૂસી કરતી હોવાની શંકા મજબૂત થતા તેની 17મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 


જાસૂસી કેસનો પર્દાફાશ

ભારતીય એજન્સીઓએ પાકિસ્તાન સંબંધિત તમામ પ્રવૃત્તિ પર નજર રાખતા એક મોટા જાસૂસી કેસનો પર્દાફાશ થયો. જેમાં હરિયાણાની યુટયુબર જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કૌભાંડની મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું. તપાસ એજન્સીઓએ જાસૂસ જ્યોતિની ધરપકડ કર્યા બાદ વધુ માહિતી મેળવવા તેના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા. દરમિયાન જ્યોતિના ફોન, લેપટોપ તેમજ બેંકખાતાઓની તપાસ કરવામાં આવી. પરંતુ 4 દિવસની તપાસમાં જાસૂસ જયોતિ વધુ સહકાર ના આપતા નેટવર્ક સંબંધિત ઘણા રહસ્યો અને મહત્વપૂર્ણ માહિતી છુપાવી રહી છે તેવું અધિકારીઓને લાગ્યું.

જાસૂસી કેસમાં વધુ માહિતી માટે માંગ્યા રિમાન્ડ

આથી પોલીસે જયોતિ મલ્હોત્રાના જાસૂસી કેસમાં તપાસમાં વધુ મહત્વની કડીઓ મળે અને આતંકવાદ અને પાકિસ્તાન સાથેના કનેકશનને લઈને વધુ સ્ફોટક વિગતો મળે તે સંદર્ભે હિસાર જિલ્લા કોર્ટ સમક્ષ જ્યોતિના વધુ ચાર દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેને કોર્ટે પણ મંજૂર રાખ્યા છે. કોર્ટે યુટયુબર જ્યોતિને રાહત ના આપતા ફરી જાસૂસ જ્યોતિની પૂછપરછ કરવામાં આવશે. ચાલુ તપાસના ભાગ રૂપે અધિકારીઓ તેના બેંક ખાતાઓ અને ડિજિટલ સંદેશાવ્યવહારની તપાસ કરી રહ્યા છે, જોકે તેના નાણાકીય વ્યવહારો અંગે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી.

કેન્દ્રીય એજન્સીના સંકજામાં જ્યોતિ

પહેલગામ ઘટના પછી જ્યોતિ મલ્હોત્રા પર મહત્વપૂર્ણ ચેટ્સ ડિલીટ કરવાની શંકા છે, અને પોલીસ આ ડિલીટ કરેલા સંદેશાઓ પુનઃપ્રાપ્ત કરવા માટે તેના ફોન અને લેપટોપમાંથી ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. અધિકારીઓએ જયોતિ મલ્હોત્રાના કથિત રીતે ઇસ્લામ ધર્મ સ્વીકારવા અથવા પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે લગ્ન કરવા અંગેની અફવાઓનું ખંડન કર્યું છે. જાસૂસ જ્યોતિ મલ્હોત્રા કેસની તપાસ ચાલુ છે, અને હવે તેમાં કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં સામેલ થઈ છે. જણાવી દઈએ કે જ્યોતિની ધરપકડની સાથે, વારાણસીમાં ATS એ તુફૈલ નામના શંકાસ્પદની ધરપકડ કરી હતી, અને દિલ્હીના સીલમપુર વિસ્તારમાં હારૂન નામના અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.



  • Follow us on: