આજે સમગ્ર દેશ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે કર્ણાટકથી એક દીલને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. કર્ણાટકના પ્રખ્યાત પર્યટન સ્થળ હમ્પીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા લોકોએ વિદેશી પ્રવાસી સહિત બે મહિલાઓ પર દુષ્કર્મ કર્યુ હતુ અને તેમની સાથે હાજર ત્રણ પુરુષોને માર મારીને પાણીમાં ફેંકી દીધા હતા. આ પૈકીના એક યુવકનો મૃતદેહ શનિવારે સવારે મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે રાત્રે 11:00 થી 11:30 વાગ્યાની વચ્ચે સનાપુર તળાવ પાસે બની હતી. આરોપીએ 27 વર્ષીય ઈઝરાયેલની મહિલા પ્રવાસી અને 29 વર્ષીય હોમસ્ટે ઓપરેટર સાથે બળાત્કાર કર્યો હતો.
ઓડિશાના એક પ્રવાસીનો મૃતદેહ તળાવમાંથી મળ્યો
ઓડિશાનો એક પ્રવાસી, જે ઘટના સમયે પીડિત મહિલાઓ સાથે હતો, તે ગુમ થઈ ગયો હતો. હુમલાખોરોએ તેને તુંગભદ્રા કેનાલમાં ફેંકી દીધો હતો. શનિવારે સવારે તેનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. આરોપીઓ સાથે તકરારમાં અમેરિકા અને મહારાષ્ટ્રના અન્ય બે પ્રવાસીઓ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જઘન્ય ગુનાની તપાસ માટે પોલીસની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. આ ઘટના બાદ ગંગાવતી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મૃતકની લાશ મળી આવ્યા બાદ હવે હત્યાની કલમો પણ ઉમેરવામાં આવશે.
હુમલાખોરોએ પેટ્રોલ પંપ વિશે પૂછ્યું હતું
FIR મુજબ, ચાર પ્રવાસીઓ અને એક હોમસ્ટે ઓપરેટર સનાપુર તળાવ પાસે આનંદ માણી રહ્યા હતા. ત્યારબાદ ત્રણ લોકો મોટરસાઇકલ પર ત્યાં પહોંચ્યા અને પેટ્રોલ પંપ વિશે પૂછવા લાગ્યા. જ્યારે હોમસ્ટેના સંચાલકે કહ્યું કે નજીકમાં કોઈ પેટ્રોલ પંપ નથી, ત્યારે તેઓએ પૈસા માગવાનું શરૂ કર્યું.
જ્યારે પ્રવાસીઓએ તેમને પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીઓ, જેઓ કન્નડ અને તેલુગુ ભાષા બોલતા હતા, તેઓએ તેમની સાથે દુર્વ્યવહાર અને મારપીટ શરૂ કરી. આ પછી તેઓએ ત્રણ પુરૂષ પ્રવાસીઓને બળજબરીથી કેનાલમાં ધકેલી દીધા હતા.
પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત
પીડિતાના જણાવ્યા અનુસાર, જ્યારે તેના મિત્રો કેનાલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ત્રણમાંથી બે હુમલાખોરોએ તેની અને ઇઝરાયેલી મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. ઘટના બાદથી પોલીસની વિશેષ ટીમ આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે. શુક્રવાર સવારથી, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગના અધિકારીઓ ગુમ થયેલા પ્રવાસીને શોધી રહ્યા હતા, જેનો મૃતદેહ શનિવારે સવારે મળી આવ્યો હતો. પોલીસ હવે આરોપીઓની ઓળખ કરીને વહેલી તકે ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.