• કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન
  • 100થી વધુ લોકો ફસાયા, અકસ્માતમાં બે બાળકો સહિત 24 લોકોના મોત થયા
  • PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો, ઘાયલો જલ્દી સાજા થાય તેવી કામના કરી

કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 100થી વધુ લોકો ફસાયા છે. દુર્ઘટના બાદ મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં બે બાળકો સહિત 24 લોકોના મોત થયા છે. 

મંગળવારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું

મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. વહેલી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ત્યારબાદ બીજા બે ભૂસ્ખલન થયા. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે

ભૂસ્ખલનથી ઘાયલ 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

પીએમ મોદીએ કેરળના સીએમ સાથે વાત કરી

વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALHને તામિલનાડુના સુલુરથી રવાના થયા છે. પીએમ મોદીએ કેરળના સીએમ સાથે વાત કરી સમગ્ર ઘટનાની માહિતી લીધી હતી.250 બચાવકર્મીઓ બચાવ કાર્ય ચલાવી રહ્યા છે.

250 બચાવકર્મીઓ બચાવ કાર્ય ચલાવી રહ્યા છે.

વાયનાડ ચુરલમાલામાં બચાવ કામગીરીમાં ફાયર એન્ડ રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, NDRF અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના 250 સભ્યો સામેલ છે. NDRFની વધારાની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.

કેરળના પાંચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

રાજ્ય સરકારે 5 જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં કસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડ અને મલ્લપુરમનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

  • Follow us on: