- ભારે પ્રી-મોન્સૂન વરસાદથી જનજીવન ખોરવાયું, ત્રિશૂર, એર્નાકુલમમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
- પથનમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કીમાં ઓરેન્જ એલર્ટ
- રાજ્યના ચાર જિલ્લામાં રાહત છાવણીઓમાં 223 લોકોને આશરો
કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કેટલાક સ્થળોએ 8 ઇંચ સુધી વરસાદ થયો છે. કોચી અને ત્રિશૂર જેવા શહેરોમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં વરસાદ સંબંધી વિવિધ દુર્ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાંથી 6 લોકોનાં તણાઈ જવાથી, બે લોકોનાં ડૂબી જવાથી, બે લોકોનાં વીજળી પડવાથી જ્યારે એક વ્યક્તિનું દીવાલ ધસી પડતાં મોત થયું હતું. રાજ્યમાં ભારે પ્રી-મોન્સૂન વરસાદ વચ્ચે હવામાન વિભાગે કેરળના ત્રિશૂર અને એર્નાકુલમ જિલ્લાઓ માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જ્યારે પથનમથિટ્ટા, કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. કેરળના મહેસૂલ પ્રધાન કે. રાજને શુક્રવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં 20 સે.મી. સુધી વરસાદ થયો છે. કોઝિકોડ જિલ્લાના કુન્નામંગલમમાં વીતેલા 24 કલાકમાં 226.2 મિ.મી., અલાપુઝાના ચેરથલામાં 215 મિ.મી., કોટ્ટાયમ જિલ્લાના કુમારાકોમમાં 203 મિ.મી., કોઝિકોડ જિલ્લાના થમારાસેરીમાં 200.7 મિ.મી. વરસાદ થયો હતો.
તેમણે ઉમેર્યું હતું કે લોકલ ઓથોરિટી, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ અને રેવન્યૂ ડિપાર્ટમેન્ટ કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે સજ્જ છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ એનડીઆરએફની પણ બે ટીમ છે. દરમિયાન, કોચી શહેરમાં ગઈ રાત્રે ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. કોચી નજીકના અલુવા ટાઉનમાં પણ તેવી જ સ્થિતિ સર્જાઈ હતી, જ્યાંનું માર્કેટ જળબંબાકાર થઈ જવાથી મોટાભાગની દુકાનો બંધ રહી હતી. આ સિવાય રાજ્યમાં ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થવાની, રસ્તાને નુકસાનની તથા સામાન્ય ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની હતી. હાલ રાજ્યમાં જુદાજુદા સ્થળોએ કુલ 8 રાહત છાવણીઓમાં 223 લોકોને આશરો અપાયો છે. કોઝિકોડ, મલાપ્પુરમ, એર્નાકુલમ અને તિરુવનંતપુરમ જિલ્લાઓમાં આ રાહત છાવણીઓ શરૂ કરાઈ છે.










