વર્ષોથી ગામમાં રહેતા ગ્રામજનોને 2022માં ખબર પડી કે વકફ બોર્ડે તેમની જમીન પર દાવો કર્યો છે. આ પછી ગ્રામજનોને તેમના મહેસૂલ અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા અને તેમની મિલકત વેચવા અથવા ગીરવી રાખવાથી અટકાવવામાં આવ્યા હતા.
કેરળની વ્યાપારી રાજધાની કોચીની ધમાલથી દૂર મુનામ્બમ ઉપનગર - ચેરાઈમાં માછીમારોનું એક સુંદર ગામ છે. દરિયા કિનારાની નજીક આવેલું, ચેરાઈ તેના બીચ રિસોર્ટ્સ સાથે આજે એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. પરંતુ આ ગામના લોકો હિજરતના ભયમાં જીવી રહ્યા છે. ગામના લગભગ 610 પરિવારોએ આક્ષેપ કર્યો છે કે તેમની જમીન અને મિલકતો પર વક્ફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
કાનૂની વિવાદમાં ફસાયું ગામ
કાનૂની વિવાદમાં ફસાયેલા હોવાને કારણે, ગ્રામીણો 2022 થી તેમની જમીન પર ન તો લોન લઈ શકશે અને ન તો તેને વેચી શકશે. સિરો-માલાબાર ચર્ચ અને કેરળ કેથોલિક બિશપ્સ કાઉન્સિલ જેવા અગ્રણી ખ્રિસ્તી સંગઠનોએ વકફ (સુધારા) બિલ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને પત્ર મોકલ્યો છે, જેમાં વકફ એક્ટ 1995માં સુધારા માટે તેમના સૂચનો આપ્યા છે.
વકફ-બોર્ડ એક્ટમાં સુધારાની ગ્રામજનોની માગ
પીડિત પરિવારે જણાવ્યું હતું કે, 2022 સુધી બધું સામાન્ય હતું, અચાનક અમને કહેવામાં આવ્યું કે અમે વર્ષોથી જે જમીન પર રહેતા હતા તે જમીન હવે અમારી નથી. પણ જો આ ઘર અમારા હાથમાંથી છીનવાઈ જશે તો કંઈ બચશે નહીં. સરકારે વકફ બોર્ડ એક્ટમાં સુધારો કરવો જોઈએ અને અમારી સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ તેવી સ્થાનિકો દ્વારા સરકારને માગણી કરી રહ્યા છે. ગામવાસીઓ પાસે તેમની જમીન અને ઘર સંબંધિત દસ્તાવેજો પણ છે. આ દસ્તાવેજો ઘર અને જમીન તેમના હોવાનું જણાવવા માટે પર્યાપ્ત છે. મોદી સરકાર વકફ કાયદામાં સુધારા માટેનું બિલ રજૂ કરતાં ગામવાળાઓને આશા બંધાઈ છે કે જેપીસીને લખેલા પત્રથી તેમની સમસ્યાનો ઉકેલ આવી શકશે.
ગામવાસીઓએ વર્ણવી 100 વર્ષની આપવીતિ
ગામવાસીઓનું કહેવું છે કે તેઓ 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ ગામમાં રહે છે. ગામવાસીઓ મુજબ આ જમીન 1902માં સિદ્દીકી સૈતે ખરીદી હતી અને પાછળથી 1950માં ફારુક કોલેજને દાન કરી દીધી હતી. માછીમારો અને કોલેજ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદનો 1975માં અંત આવ્યો હતો. તે સમયે હાઈકોર્ટે કોલેજની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. ત્યાર પછી 1989થી સ્થાનિક લોકો કોલેજ પાસેથી જમીન ખરીદી રહ્યા છે. જોકે, 2022માં વિલેજ ઓફિસે અચાનક દાવો કર્યો કે ગામ વકફ બોર્ડની જમીન પર બનાવાયું છે. ત્યાર પછી તેમને સંપત્તિ વેચવા અથવા ગીરવે રાખતા અટકાવી દેવાયા છે.