વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી પર મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન અને બેતવા નદીઓને જોડવાના કેન-બેતવા લિન્ક નેશનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. તેમણે મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું અને 1,153 નવીન અટલ ગ્રામ સેવા સદનનું ભૂમિપૂજન પણ કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરાયું હતું તથા વાજપેયીની જન્મ શતાબ્દી નિમિત્તે વડાપ્રધાન મોદીના હસ્તે વિશેષ ટપાલ ટિકિટ પણ જારી કરાઇ હતી. વડાપ્રધાન મોદીએ તેમના પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે કેન્દ્રીય જલ આયોગ ડૉ. બાબાસાહેબ આંબેડકરની દેન હતી. આવી યોજનાઓનું શ્રોય ડૉ. આંબેડકરને જાય છે પરંતુ કોંગ્રેસે ક્યારેય તેમને શ્રોય ન આપ્યું. ડૉ. આંબેડકરે દેશમાં પાણી માટે કામ કર્યું એ સત્ય કોંગ્રેસે છુપાવ્યું. બધા કામો માટે એક વ્યક્તિને ક્રેડિટ આપવાના નશામાં સાચા સેવકને ભુલાવી દેવાયા. દેશમાં જળશક્તિ માટે ડૉ. આંબેડકરે પ્રયાસ કર્યા. કોંગ્રેસે આ સત્ય દબાવી રાખ્યું.
વડાપ્રધાને તેમના ભાષણની શરૂઆત બુંદેલખંડની બુંદેલી ભાષામાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર દેશમાં નદીઓને જોડવાની ઝુંબેશને વેગ આપી રહી છે. કેન-બેતવા લિન્ક પ્રોજેક્ટ વાસ્તવિક સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યો છે, જે બુંદેલખંડ વિસ્તારમાં સમૃદ્ધિ અને ખુશીઓનાં દ્વાર ખોલશે. આ પ્રોજેક્ટથી મધ્યપ્રદેશના છત્તરપુર, ટીકમગઢ, નિવારી, પન્ના, દમોહ અને સાગર સહિત 10 જિલ્લાને સિંચાઈની સુવિધા મળશે. બાંદા, મહોબા, લલિતપુર અને ઝાંસી જિલ્લાઓ સહિત ઉત્તરપ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રને પણ લાભ થશે. જળ સુરક્ષા 21મી સદીનો સૌથી મોટો પડકાર છે. મધ્ય પ્રદેશમાં મુખ્યપ્રધાન ડૉ. મોહન યાદવના નેતૃત્વ હેઠળની સરકારે તેની સ્થાપનાનું એક વર્ષ પૂર્ણ કર્યું છે તેનો ઉલ્લેખ કરીને મોદીએ મધ્ય પ્રદેશના લોકોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં હજારો કરોડ રૂપિયાથી વધુના નવા માળખાગત પ્રોજેક્ટ્સના અમલીકરણની સાથે વિકાસલક્ષી કાર્યોએ વેગ પકડયો છે. ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી પ્રસંગે આજના દિવસને નોંધપાત્ર પ્રેરક દિવસ ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે, આજે આપણા સૌ માટે પ્રેરણારૂપ સુશાસનનું પર્વ છે.
સુશાસન માટે સારી યોજનાઓ જેટલું જ તેનું અમલીકરણ પણ અગત્યનું : મોદી
વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુશાસન માટે માત્ર સારી યોજનાઓની જ નહીં પણ તેના અસરકારક અમલીકરણની પણ જરૂર રહેતી હોય છે. સુશાસનનો માપદંડ એ છે કે સરકારી યોજનાઓથી લોકોને કેટલી હદે લાભ થાય છે? અગાઉની સરકારોએ જે જાહેરાતો કરી હતી તેના અમલીકરણમાં ઉદ્દેશ અને ગંભીરતાના અભાવે તેના લાભ લોકો સુધી પહોંચ્યા નહોતા. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓના લાભ પર ભાર મૂક્યો હતો. મધ્યપ્રદેશમાં લાડલી બેહના યોજના પર પ્રકાશ પાડતા નોંધ્યું હતું કે, બેંક ખાતાને આધાર અને મોબાઇલ નંબર સાથે જોડયા વિના તે શક્ય બન્યું ન હોત. અગાઉ સસ્તા રેશનિંગની યોજનાઓ અસ્તિત્વમાં હતી ત્યારે ગરીબોને રાશન મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. હવે ગરીબોને સંપૂર્ણ પારદર્શકતા સાથે નિઃશુલ્ક રાશન મળે છે, જે ટેકનોલોજીને આભારી છે, જેણે છેતરપિંડીને નાબૂદ કરી છે અને વન નેશન, વન રેશનકાર્ડ જેવી રાષ્ટ્રવ્યાપી સુવિધાઓ પ્રદાન કરી છે.