કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી ચાદર લઈને દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી અજમેર શરીફમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર મોકલી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુરુવારે લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને બીજેપી અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીને આ ચાદર સોંપવામાં આવી હતી. આજે તેઓ આ ખાસ ચાદર નિઝામુદ્દીનમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર લઈ ગયા હતા. આ પછી ચાદરને અજમેર દરગાહ મોકલવામાં આવશે.

1947થી ચાલી આવે છે પરંપરા 
સૂફી ફાઉન્ડેશનના પ્રમુખ અને અજમેર દરગાહના ગદ્દી નશીન હાજી સૈયદ સલમાન ચિશ્તીએ જણાવ્યું હતું કે દેશના પીએમની ચાદર મોકલવાની પરંપરા 1947થી ચાલી આવે છે. આ સતત 11મી વખત છે જ્યારે વડાપ્રધાન અજમેર દરગાહ પર ચાદર મોકલી રહ્યા છે.

આ અંગે કિરેન રિજિજુએ કહ્યું કે હઝરત નિઝામુદ્દીન દરગાહ પર આવવું એ અમારા માટે સૌભાગ્યની વાત છે. આદરણીય પીએમ મોદીજીએ જે અજમેર શરીફ માટેની ચાદર છે તેને અમે અહીં રજૂ કરીને અજમેર શરીફ લઇ જઇ રહ્યા છીએ. આવતીકાલે અમે તે ચાદર ચઢાવીશું.

પીએમ મોદીએ મોકલી છે ચાદર

પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી સતત દરગાહ પર ચાદર મોકલતા આવ્યા છે. તેમણે ગુરુવારે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર લોકોનું અભિવાદન કર્યુ અને તમામને જીવનમાં ખુશી અને શાંતિ આવે તેવી પ્રાર્થના કરી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 812માં ઉર્સ અવસર પર પીએમ મોદીએ તત્કાલીન લઘુમતી પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપ લઘુમતી મોરચાના વડા જમાલ સિદ્દીકીને આ વિશેષ ચાદર સોંપી હતી. આ દરમિયાન પીએમ મુસ્લિમ સમુદાયના એક પ્રતિનિધિમંડળને પણ મળ્યા હતા, જેનો ફોટો તેમણે પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો.

કેમ ચાદર ચઢાવવામાં આવે છે ?
ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 813મા ઉર્સ પર્વના આગમન સાથે જ અજમેર દરગાહ ભક્તોથી ભરાઈ ગઈ છે. 28મી ડિસેમ્બરથી ચાલી રહેલા ઉર્સ નિમિત્તે દેશ-વિદેશમાંથી હજારો ભક્તો દરગાહ પર પહોંચીને ચાદર ચઢાવીને પોતાની મનોકામનાઓ પુરી કરે છે. આ પરંપરાગત ચાદર દરગાહ શરીફ ખાતે સ્નેહ અને આદરનું પ્રતીક છે અને ખ્વાજા નવાઝ શરીફ પાસેથી આશીર્વાદ મેળવવાનું સાધન માનવામાં આવે છે.
  • Follow us on: