જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હૂમલા બાદ ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓજેકેમાં સ્થિત 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનનું નામ એ મહિલાઓના સિંદુરને સમર્પિત છે જેમને આતંકીઓએ નિશાન બનાવી હતી. ભારતે આ કાર્યવાહી પાકિસ્તાનના કોઈપણ સૈન્ય ઠેકાણાને નુકસાન પહોંચાડ્યા વિના કરી છે.
ભારતે ફરીવાર પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો
પહલગામ હુમલામાં 25 ભારતીય અને એક નેપાળી નાગરીકના મોત બાદ ભારતે ફરીવાર પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતીય સુરક્ષા બળોએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ અભિયાનમાં કૂલ 9 આતંકી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યાં છે. આ કાર્યવાહી એર રણનીતિનો ભાગ રહ્યો છે. કોઈ પણ પાકિસ્તાની સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવામાં નથી આવ્યા. ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઈલો છોડી હતી. તેમજ એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભારત આતંકવાદ વિરૂદ્ધ સખત પગલા લેવામાં કટિબદ્ધ છે. આ હુમલાથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભારત હવે માત્ર ચેતવણી નહીં આપે પણ જવાબમાં કાર્યવાહી પણ કરશે.
કોઈપણ મહિલાના સિંદૂર પર હાથ નાખવો એ એક્ટ ઓફ વોર માની લેવાશે
પહલગામમા આતંકીઓએ જ્યારે હુમલો કર્યો ત્યારે ત્યાં તેમણે કોઈ મહિલાનો જીવ નથી લીધો. પરંતુ આ ઓપરેશનના નામ પાછળ પણ એક કારણ છુપાયેલુ છે. જ્યારે આતંકીઓ આપણી મહિલાઓના સિંદુરને છીનવી લેવાની સાજિશ કરે ત્યારે તેને જવાબ પણ એ જ પ્રતિકથી આપવામાં આવે. આ સંદેશ સ્પષ્ટ છે.ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા માત્ર આતંકવાદીઓને માત્ર પાઠ નથી ભણાવ્યો પણ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, હવે કોઈપણ મહિલાના સિંદૂર પર હાથ નાખવો એ એક્ટ ઓફ વોર માની લેવામાં આવશે.
આ ઓપરેશન માત્ર અને માત્ર આતંકવાદ વિરૂદ્ધ હતું
ભારતની આ કાર્યવાહી સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે. કોઈ અસૈન્ય ઠેકાણું અથવા તો સામાન્ય નાગરિક આ કાર્યવાહીની ચપેટમાં નથી આવ્યા. ભારતીય વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ ઓપરેશન માત્ર અને માત્ર આતંકવાદ વિરૂદ્ધ હતું. પાકિસ્તાનના સાર્વભૌમત્વ વિરૂદ્ધ નહોતુ. આ ઓપરેશન બાદ પાકિસ્તાનમાં ડર ચોક્કસ જોવા મળ્યો છે. અનેક આતંકી ઠેકાણાઓને ખાલી કરી દેવામાં આવ્યાં છે અને સીમા પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયુ છે.
ભારત હવે વાત નહીં માત્ર જવાબી કાર્યવાહીમાં વિશ્વાસ રાખે છે
ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને દેખાડી દીધું છે કે, હવે ભારત જુની નીતિ પર નહીં ચાલે. 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ આ ત્રીજી મોટી કાર્યવાહી છે. જે સીધી પાકિસ્તાની ધરતી પર જઈને કરવામાં આવી છે. આ ઓપરેશનનો મોટો સંદેશ એ છે કે ભારત હવે વાત નહીં માત્ર જવાબી કાર્યવાહીમાં વિશ્વાસ રાખે છે. પાકિસ્તાને હવે નક્કી કરવાનું છે કે તે આતંકીઓને શરણ આપશે કે પછી એક જવાબદાર પાડોશી દેશ તરીકે વ્યવહાર કરશે.













