- કોહલી-ગંભીર વિવાદમાં BCCI એક્શન મોડમાં આવી ગયું
- બોર્ડે ગંભીર, કોહલી અને નવીન ઉલ હક એમ ત્રણેયને આકરો દંડ ફ્ટકાર્યો
- ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બેંગ્લોરે 126 રન નોંધાવ્યા હતા
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલી બોલાચાલી બાદ બીસીસીઆઇ પણ એક્શન મોડમાં આવી ગયું હતું. બોર્ડે ગંભીર, કોહલી અને નવીન ઉલ હક એમ ત્રણેયને આકરો દંડ ફ્ટકાર્યો છે. કોહલી અને ગંભીરને તેમની 100 ટકા મેચ ફીનો તથા નવીનને 50 ટકા મેચ ફીનો દંડ ફ્ટકાર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ બંને ખેલાડીઓ એકબીજા સાથે ઘર્ષણમાં ઊતર્યા હતા અને બંનેને છૂટા પાડવા માટે બંને ટીમના ખેલાડીઓએ હસ્તક્ષેપ કર્યો હતો.
બંને વચ્ચે બોલાચાલી કેવી રીતે શરૂ થઈ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બેંગ્લોરે 126 રન નોંધાવ્યા હતા. ટાર્ગેટને ચેઝ કરતી વખતે લખનઉની ટીમે પાવરપ્લેમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન કૃણાલ પંડયાનો કેચ ઝડપ્યા બાદ કોહલીએ સ્ટેન્ડ્સ તરફ્ જોઈને મોંઢા ઉપર આંગળી રાખી દીધી હતી અને ત્યારબાદ તેણે ફેન્ચને ચૂપ રહેવાના બદલે બેંગલોરને સમર્થન આપવાનો ઇશારો કર્યો હતો. કોહલીએ આડકતરી રીતે ગંભીરને વળતો જવાબ આપ્યો હતો.
17મી ઓવરમાં પણ ખેલાડીઓ વચ્ચે ટપાટપી થઈ
લખનઉની ઇનિંગની 17મી ઓવરમાં કોહલી અમિત મિશ્રાા અને નવીન ઉલ હક વચ્ચે માહોલ ગરમ થયો હતો. ત્યારબાદ કોહલી અને મિશ્રા વચ્ચે બોલાચાલી થઈ હતી. બેંગ્લોરે મેચ જીતી લીધી ત્યારે નવીન અને કોહલી હેન્ડશેક કરતી વખતે એકબીજા સાથે ટકરાવાના મૂડમાં હતા. ત્યારબાદ ગંભીર અને કોહલી આમનેસામને થયા ત્યારે બંને વચ્ચે લાંબા સમય સુધી બોલાચાલી થઈ હતી.