કોલકાતાની આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ટ્રેઇની લેડી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. CBI દ્વારા ધરપકડ કરાયેલ SHO અભિજીત મંડલના સમર્થનમાં પોલીસ વિભાગ આવ્યું છે. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ અભિજીત મંડલની પ્રશંસા કરી અને કહ્યું કે, તેણે આ કેસની પ્રાથમિક તપાસ પારદર્શક રીતે કરી છે.
વરિષ્ઠ અધિકારીઓએ અભિજીત મંડલના પરિવારને મદદની ખાતરી આપી
કોલકાતા પોલીસના એડિશનલ કમિશનર વી સોલોમન નેસાકુમાર એક વરિષ્ઠ અધિકારી સાથે અભિજીત મંડલના પરિવારને મળ્યા હતા અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. આ અંગે નેસાકુમારે કહ્યું કે, તેણે અભિજિત મંડલની પત્ની સાથે વાત કરી અને તેને કહ્યું કે પોલીસ વિભાગ તેના પરિવારની સાથે છે.
અભિજીત મંડલ દોષિત નથી: એડિશનલ કમિશનર
કોલકાતા પોલીસના એડિશનલ કમિશનરે કહ્યું કે, વ્યક્તિગત રીતે તેમનું માનવું છે કે તે (અભિજીત મંડલ) દોષિત નથી. તેણે જે પણ કર્યું તેની પાછળ તેનો સારો ઈરાદો હતો. તેમણે ઓછામાં ઓછા સમયમાં સ્થળ પર પહોંચીને સંપૂર્ણ પારદર્શક રીતે કેસની તપાસ કરી ન્યાયના હિતમાં કામ કર્યું.
CBIએ SHOની ધરપકડ કરી હતી
ઉલ્લેખનીય છે કે, મહિલા ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ શનિવારે RG કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સાથે તાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અભિજીત મંડલની ધરપકડ કરી હતી. અભિજીત મંડલ પર તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં 14 કલાકના વિલંબ સાથે FIR દાખલ કરવાનો આરોપ છે. સંદીપ ઘોષ પહેલાથી જ ભ્રષ્ટાચારના કેસમાં CBIની કસ્ટડીમાં છે. સંદીપ ઘોષની અગાઉ આરજી કર કોલેજ અને હોસ્પિટલમાં કથિત નાણાકીય અનિયમિતતા સંબંધિત એક અલગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
શું હતો મામલો
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટે 31 વર્ષીય મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હત્યા કરતા પહેલા પીડિતા પર રેપ ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાના એક દિવસ બાદ કોલકાતા પોલીસે આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી.