- કોલકાતામાં મહિલા ટ્રેની ડોક્ટરની હત્યાનો મામલો
- રેસિડેન્ટ ડોક્ટર્સની દેશ વ્યાપી હડતાળ
- દિલ્હીમાં 10 સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ હડતાળ પર
પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ટ્રેની ડોક્ટરની હત્યાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સ દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. આ કેસમાં સીબીઆઇ તપાસની માગ સાથે હડતાળ કરવામાં આવી છે. દિલ્હીમાં એમ્સ સહિત કેટલીક સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. પરિણામે ઓપરેશન, ઓપીડી જેવી સેવાઓ બંધ રહેતા દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
કોલેજના પ્રોફેસરનું રાજીનામું
દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ પ્રોફેસર ડૉ.સંદીપ ઘોષે રાજીનામું આપી દીધું છે. પદ પરથી રાજીનામું આપતાં તેમણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર મારી બદનામી થઈ રહી છે. મૃતક તબીબ મારી પુત્રી સમાન હતી. એક ગાર્ડિયન તરીકે હું રાજીનામું આપું છું.
દિલ્હીમાં પણ વિરોધ
દિલ્હીમાં કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટરની હત્યાના વિરોધમાં રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન (આરડીએ) એઈમ્સે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોલકાતામાં પણ વિરોધ
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસ સામે ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આર.જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો આ વીડિયો છે.
FORDAએ દેશવ્યાપી હડતાળની કરી જાહેરાત
ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA)ના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. શારદા પ્રસાદે જણાવ્યું હતું કે FORDA એ ઘટનાના વિરોધમાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. અમે ઇચ્છીએ છીએ કે કોલકાતાની આર.જી કર હોસ્પિટલમાં તપાસ પારદર્શક રીતે થાય. બાકીના આરોપીઓને જલ્દી પકડવા જોઈએ. આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
શું છે માગ ?
એઈમ્સમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડૉ ઈન્દ્ર શેખરે કહ્યું કે અમે તપાસથી સંતુષ્ટ નથી. વિરોધમાં સામેલ ઘણા ડોક્ટરોએ પણ સીબીઆઈ તપાસની માંગ કરી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપીઓને ફાંસીની સજા અને સીબીઆઈ તપાસની વાત કરી છે.