કોલકાતાની આર. જી. કર હોસ્પિટલની ટ્રેની ડૉક્ટર સાથે રેપ-મર્ડરની ઘટનામાં ન્યાયની માગ સાથે આમરણ ઉપવાસ પર બેઠેલા જુનિયર ડૉક્ટર્સની ભૂખ હડતાલને રવિવારે 16 દિવસ પૂરા થયા છે.


બીજી તરફ પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આંદોલનકારી ડૉક્ટર્સને ભૂખ હડતાલ પાછી ખેંચીને મંત્રણાના મેજ પર આવવા વિનંતી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે શનિવારે સાંજે ડૉક્ટર્સને ભૂખ હડતાલ પાછી ખેંચવાની શરતે આજે સોમવારે સાંજે પાંચ વાગ્યે 45 મિનિટ માટે સચિવાલય નબન્ના ખાતે વાટાઘાટો માટે બોલાવ્યા હતા. જોકે ડૉક્ટર્સે તેમની તમામ માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ભૂખ હડતાલ સમેટવાનો ઇનકાર કર્યો હતો પરંતુ આજે વાટાઘાટો કરવા સંમત થયા હતા.

મનોજ પંત અને ગૃહ સચિવ નંદિની ચક્રવર્તીએ શનિવારે કોલકાતાના એસ્પ્લેનેડ વિસ્તારમાં આર. જી. કર હોસ્પિટલના ટ્રેની ડૉક્ટર્સના આમરણ ઉપવાસના સ્થળની મુલાકાત લીધી હતી, જે દરમિયાન મમતાએ આંદોલનકારી ડૉક્ટર્સ સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની મોટાભાગની માગણીઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. જોકે પશ્ચિમ બંગાળના આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમને હટાવવાનો ડૉક્ટર્સનો આગ્રહ મમતાએ ફગાવ્યો હતો અને કહ્યું હતું કે કોઇ વિભાગમાં બધાને હટાવવા શક્ય નથી. હું પોલીસ કમિશનર, મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર અને હેલ્થ સર્વિસીસ ડાયરેક્ટરને હટાવી ચૂકી છું. મહેરબાની કરીને રાજકારણથી ઉપર ઊઠીને કામ પર લાગો.જુનિયર ડૉક્ટર્સ પીડિતાના પરિવારને ન્યાય અને રાજ્યના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સિસ્ટમેટિક ચેન્જીસની માગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ભૂખ હડતાલ પરના 6 ડૉક્ટરની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા જ્યારે 8 ડૉક્ટરે ભૂખ હડતાલ ચાલુ રાખી હતી. તેમની માગ છે કે મડાગાંઠ ઉકેલવા રાજ્ય સરકાર સોમવાર સુધીમાં રચનાત્મક પગલાં લે.


  • Follow us on: