- દેખાવો કરી રહેલા લોકો વિરુદ્ધ વોટર કેનન, ટિયરગેસનો પ્રયોગ, વિદ્યાર્થીઓએ પોલીસના બેરિકેડ્સ તોડી નાખ્યાં
- મંગળવારે વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે નબન્ના માર્ચ શરુ કાઢી હતી
- ઈડી ટૂંક સમયમાં આરોપીઓની પૂછપરછ કરવા અને તેમના નિવેદન નોંધવા માટે સમન્સ ઈશ્યૂ કરી શકે છે
કોલકાતાની હોસ્પિટલમાં મેડિકલ ઇન્ટર્ન સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની પાશવી હત્યાના કેસમાં ફાટી નીકળેલો જનાક્રોશ હજુ પણ શાંત થવાનું નામ લઇ રહ્યો નથી.
મંગળવારે વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે નબન્ના માર્ચ શરુ કાઢી હતી જોકે, રાજ્યની તૃણમૂલ સરકારે વિદ્યાર્થીઓની આ શાંતિપૂર્ણ માર્ચ પર બળપ્રયોગ કરતા વિવાદ સર્જાયો હતો અને માર્ચમાં હિંસા થઇ હતી. હાવડાના સાંત્રાગાછી ખાતેથી શરુ થયેલી આ માર્ચમાં મોટી સંખ્યામાં દેખાવકારો જોડાયા હતા. કોલકાતા પોલીસે વિદ્યાર્થીઓની આ માર્ચને રોકવા માટે બળપ્રયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓના પ્રદર્શનને રોકવા માટે પોલીસે વ્રજ વાહનો, વોટર કેનન અને રેપિડ એક્શન ફોર્સ ખડકી હતી અને રસ્તાને અવરોધવા માટે કન્ટેઇનર ગોઠવાયા હતા. વિદ્યાર્થીઓ પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવાલયના બિલ્ડિંગ નબન્નાનો ઘેરાવ કરવા માર્ચ કાઢવાના હતા અને તેને જોતા પોલીસે સમગ્ર શહેરને છાવણીમાં ફેરવી નાખ્યુ હતું. પોલીસે હાવડા બ્રિજ પર વેલ્ડિંગ કરીને બેરિકેડ લગાવ્યા હતા.










