હાલમાં સૌથી ચર્ચિત મુદ્દો છે બાબા સિદ્દીકીની હત્યા. હત્યાની જવાબદારી લેનાર બિશ્નોઇ ગેંગ. સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. જેને લઇને તેની સુરક્ષા ચાર ઘણી વધારી દેવામાં આવી છે. ત્યારે હવે આ મામલે ક્ષત્રિય કરણી સેના મેદાને આવી છે. ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
કરણી સેનાના એક્સ હેન્ડલ પર વીડિયો કર્યો શેર
આ વીડિયો ક્ષત્રિય કરણી સેનાના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે અમારી ધરોહર, અમારા આદરણીય અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા લોરેન્સ બિશ્નોઇ દ્વારા કરવામાં આવી હતી. જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઇનું એન્કાઉન્ટર કરશે તે પોલીસ કર્મીને 1 કરોડ, 11 લાખ 11 હજારને એકસો અગિયાર રૂપિયાનું ઇનામ કરણી સેના તરફથી આપવામાં આવશે. દેશવાસીઓને ભયભીત નહી પણ ભયમુક્ત ભારતવર્ષની જરૂર છે. તેમ તેમણે જણાવ્યું હતું.
ગોગામેડીની હત્યાની જવાબદારી
મહત્વનું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયા પર ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી હતી. તેણે કહ્યું હતું કે તેણે ગોગામેડીને બેથી ત્રણ વખત ચેતવણી આપી હતી પરંતુ તેણે સાંભળ્યું ન હતું. એટલા માટે મેં ગોળી મારી. હવે કરણી સેનાના રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર અંગે વાત કરી છે. લોરેન્સ બિશ્નોઈ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે અને કહેવાય છે કે તે જેલમાંથી જ દરેક હત્યાનું કાવતરું ઘડે છે.
બાબા સિદ્દીકીની હત્યા
રાજ શેખાવતની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે એન્કાઉન્ટરની ઓફર એવા સમયે આવી છે જ્યારે લોરેન્સ બિશ્નોઈ ગેંગે તાજેતરમાં એનસીપીના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી, જેની 12 ઓક્ટોબરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ઘણી વખત ધમકી આપવામાં આવી છે.