• પાયલ મુખર્જી સાથે એક હૃદયદ્રાવક ઘટના બની
  • અભિનેત્રી મોડી રાત્રે કારમાં ઘરે આવી રહી હતી
  • રસ્તાની વચ્ચે બાઇકસવારે તેના પર હુમલો કર્યો

તાજેતરમાં જ બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જી સાથે એક દુ:ખદ ઘટના બની હતી. અભિનેત્રી મોડી રાત્રે કારમાં ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તાની વચ્ચે એક બાઇકસવારે તેના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ અભિનેત્રીએ તરત જ ફેસબુક પર લાઈવ થઈને ઘટનાની જાણકારી આપી અને મદદ માગી હતી.

આ ઘટના શુક્રવારે સાંજે બની હોવાનું જાણવા મળેલ છે. બંગાળી અભિનેત્રી પાયલ પોતાની કારમાં કોલકાતાના લેક એવન્યુ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક બાઇકરે તેની કાર રોકવાનો પ્રયાસ કરેલ. જ્યારે અભિનેત્રીએ કાર ન રોકી તો હુમલાખોરોએ તેને મુક્કો માર્યો અને તેની કારનો કાચ તોડી નાખ્યો અને જોધપુર પાર્ક પાસે બળજબરીથી કાર રોકી હતી. તેણે રસ્તામાં એક્ટ્રેસને ધમકી આપી અને દુર્વ્યવહાર કર્યો હતો.

અભિનેત્રીએ ફેસબુક પર લાઈવ આવીને મદદ માગી હતી

આ ઘટના બાદ પાયલ મુખર્જી ફેસબુક લાઈવ પર ગઈ અને રડતાં રડતાં મદદ માટે વિનંતી કરી હતી. ફેસબૂક લાઈવમાં પોતાની કારના તૂટેલા કાચ બતાવતી વખતે અભિનેત્રી રડી પડી હતી. તેણે લાઈવ આવીને પૂછ્યું કે કોલકાતાના રસ્તાઓ પર મહિલાઓની સુરક્ષા ક્યાં છે.

અભિનેત્રીએ જણાવ્યું કે બાઈકર તેનો પીછો કરી રહ્યો હતો અને તેને તેની કારનો કાચ ખોલવા માટે કહી રહ્યો હતો, પરંતુ જ્યારે તેણે તેમ ન કર્યું તો તેણે કારની બારીના કાચ પર હાથ મારીને કાચ તોડી નાખ્યો, જેના કારણે અભિનેત્રીને તેના શરીર પર ઘણી ઈજાઓ થઈ હતી. અભિનેત્રીના ફેસબુક પર લાઇવ થયા બાદ ઘણા લોકોએ કોલકાતા પોલીસને ટેગ કરીને મદદ માટે વિનંતી કરી હતી. તાત્કાલિક કાર્યવાહી કરતાં કોલકાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોધપુર પાર્ક વિસ્તારમાં ફરજ પરના પોલીસકર્મીઓએ બાઇકચાલકની ધરપકડ કરી લીધી છે.

આરોપીએ અભિનેત્રી પર આરોપ લગાવ્યો

કોલકાતા પોલીસે આજતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જ્યારે આરોપી બાઈકમેનની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે ઉંધી વાર્તા કહી હતી. બાઇકચાલકના જણાવ્યા મુજબ, લેક એવન્યુ રોડ પરથી પસાર થતી વખતે અભિનેત્રીએ તેની બાઇકને ટક્કર મારી હતી. જ્યારે તેણે ગુસ્સામાં એક્ટ્રેસને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે કાર રોકી નહીં. તે કાર રોકવા માટે કાચ પર અથડાતો હતો, જેના કારણે કાચ તૂટી ગયો હતો. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ કોલકાતા કમાન્ડ હોસ્પિટલના જુનિયર કમિશન્ડ ઓફિસર M.R અરાસન તરીકે કરવામાં આવી છે.

આ ઘટના બાદ અભિનેત્રી પાયલ મુખર્જીએ ટોલીગંજ પોલીસ સ્ટેશનમાં 39 વર્ષીય એમ.આર.અરાસન સામે IPC કલમ 126(1) (લૂંટફાટનો પ્રયાસ), 324(2) (ઈજા પહોંચાડવાનો પ્રયાસ), 351(1) (બળનો ઉપયોગ કરીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ) હેઠળ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  • Follow us on: