- ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી AIIMSમાં દાખલ
- ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સન્માનિત
- AIIMSમાં ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાને કારણે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
હાલમાં અડવાણીને એઈમ્સના જેરિયાટ્રિક વિભાગના ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. પૂર્વ નાયબ વડાપ્રધાનના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેમને ચેકઅપ માટે એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે. હાલમાં લાલકૃષ્ણ અડવાણીની તબિયત સારી છે.
આ વર્ષે ભારત રત્ન કરાયો હતો એનાયત
લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે 30 માર્ચે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ વર્ષ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત રત્નથી સન્માનિત થવાની જાહેરાત બાદ દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “હું ભારત રત્ન સન્માન સાથે સ્વીકારું છું. આ માત્ર મારું જ નથી, તે વિચારો અને સિદ્ધાંતોનું સન્માન છે જેનું અમે જીવનભર પાલન કર્યું છે.”
અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવા પર પીએમ મોદીએ કહ્યું કે અડવાણીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં વિતાવ્યું. દેશ રાષ્ટ્રની સેવાને ક્યારેય ભૂલતો નથી. દેશની સેવામાં તેમનું યોગદાન અનુપમ અને અવિસ્મરણીય રહ્યું છે.
ત્રણ વખત ભાજપના અધ્યક્ષ હતા અડવાણી
રામ મંદિર આંદોલનના અગ્રણી નેતાઓમાં ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે અથાક મહેનત કરી હતી. અડવાણીએ તેમની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા શરૂ કરી હતી. તેઓ એવા નેતાઓમાં સામેલ છે જેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)નો પાયો નાખ્યો હતો.
અડવાણી ત્રણ વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા. તેઓ 1986માં પહેલીવાર પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ તેઓ 1990 સુધી આ પદ પર રહ્યા. આ પછી અડવાણી 1993માં પાર્ટી અધ્યક્ષ બન્યા અને 1998 સુધી આ પદ પર રહ્યા. તેઓ 2004માં ત્રીજી અને છેલ્લી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને 2005 સુધી પદ પર રહ્યા હતા.
સાતમા નાયબ વડાપ્રધાન બન્યા હતા અડવાણી
તેમની 50 વર્ષથી વધુની સક્રિય રાજકીય કારકિર્દીમાં, અડવાણી 1998માં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં ગૃહ પ્રધાન બન્યા હતા. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં ગૃહમંત્રી હતા અને ત્યારબાદ વર્ષ 2002માં તેમને દેશના નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
અડવાણી દેશના સાતમા નાયબ વડાપ્રધાન હતા. આ સિવાય અડવાણી 10મી અને 14મી લોકસભા દરમિયાન ગૃહમાં વિપક્ષના નેતા હતા. તેઓ ઘણી વખત સાંસદ રહ્યા હતા. 1970માં રાજ્યસભા દ્વારા પ્રથમ વખત સાંસદ બન્યા. અડવાણી 7 વખત લોકસભાના સાંસદ બન્યા અને 4 વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા.









