• કોંગ્રેસ રાજમાં તેના પીઠ્ઠુઓ ગરીબોનું અનાજ પણ ચાંઉ કરી જતા હોવાનો યુપીના સીએમનો આરોપ

  • એક તરફ મોદી સરકાર દેશના 80 કરોડ લોકોને મફત રેશનિંગ આપી રહી છે: યોગી
  • હાથરસની હિંગની ખુશ્બુ અને ફરી એકવાર મોદી સરકારનો સ્વર સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે: યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફરી એકવાર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સામે સીધો મોરચો ખોલતાં જણાવ્યું હતું કે રામ અને કૃષ્ણની આ ધરતી પર આ લોકો ગૌહત્યાની મંજૂરી આપવા માંગે છે. કાશી અને અયોધ્યા બાદ અમે મથુરા તરફ આગળ વધી ગયા છીએ. ફિરોઝાબાદ લોકસભાની બેઠક માટેના ભાજપના ઉમેદવાર ઠાકુર વિશ્વદીપસિંહ માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા મુખ્યમંત્રી યોગીએ અત્રે જાહેર સભાને સંબોધન કર્યું હતું. સીએમ યોગીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ડિસ્કવરી ઓફ ઈન્ડિયાવાળા લોકોને લાગે છે કે રામ અને કૃષ્ણ થયાં જ ન હતાં. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે એક તરફ મોદી સરકાર દેશના 80 કરોડ લોકોને મફત રેશનિંગ આપી રહી છે જ્યારે કોંગ્રેસ રાજમાં તેના પીઠ્ઠુઓ ગરીબોનું અનાજ પણ ચાંઉ કરી જતાં હતાં. મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અમે કાશી અને અયોધ્યા બાદ મથુરા તરફ આગળ વધી ગયાં છીએ. તેમણે સપાને ટાર્ગેટ કરતાં જણાવ્યું હતું કે શું આ લોકોએ ક્યારેય વ્રજ ક્ષેત્રના વિકાસ માટે કશું કર્યું છે? તેમણે યાદવોમાં ફક્ત પોતાના પરિવારના લોકોને જ લાભ પહોંચાડયો છે.

સીએમ યોગીએ આરોપ મૂક્યો હતો કે આ લોકોએ પોતાના પરિવારની બહાર કશું વિચાર્યું જ નથી અને પરિવારના નામ પર જાતિને બદનામ કરતા રહ્યા છે. આ અગાઉ તેમણે સિકંદરા રાઉમાં હાથરસ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર અનુપ પ્રધાન માટે પ્રચાર સભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હાથરસની હિંગની ખુશ્બુ અને ફરી એકવાર મોદી સરકારનો સ્વર સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે.


  • Follow us on: