- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અનામતને લગતાં નિવેદન સામે કેન્દ્રીય ગૃહપ્રધાનનો વળતો પ્રહાર
- કોંગ્રેસ દક્ષિણમાં OBCનો હક્ક છીનવી અલ્પસંખ્યકોને અનામત આપતી હોવાનો આરોપ
- રાહુલ ગાંધી પાયાવગરનું જૂઠ બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે: ગૃહપ્રધાન
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પાયાવગરનું જૂઠ બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ભાજપનો ઉદ્દેશ અનામતને ખતમ કરી દેવાનો હોત તો અત્યાર સુધીમાં એ કામ થઇ ચૂક્યું હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના દલિત, પછાતો અને આદિવાસી ભાઇઓ અને બહેનોને ગેરેન્ટી આપી છે કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઇ અનામતને સ્પર્શી શકે તેમ નથી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો કે કોંગ્રેસે હંમેશા પછાત સમાજનો વિરોધ કર્યો છે અને આદિવાસીઓને ન્યાય અપાવવા ક્યારેય કામ કર્યું નથી. એટલું જ નહીં એએમયુ અને જામિયા જેવી સંસ્થાઓમાં એસસી-એસટી અને ઓબીસીને અનામત નહીં આપવાનો નિર્ણય પણ કોંગ્રેસનો જ હતો. કોંગ્રેસની નીતિઓ જ હંમેશા કચડાયેલાં અને પછાત વર્ગની વિરુદ્ધની રહી છે.
રાહુલ ગાંધી અનામત અંગે શું બોલ્યા હતા?
રાહુલ ગાંધી શુક્રવારે બોલ્યા હતાં કે ભાજપ અને નરેન્દ્ર મોદી બંધારણ બદલીને દેશની લોકશાહીને તબાહ કરી દેવા માંગે છે. દલિતો, કચડાયેલા લોકો, આદિવાસીઓની અનાત છીનવીને દેશ ચલાવવામાં તેમની ભાગીદારીને ખતમ કરવા માંગે છે. પરંતુ બંધારણ અને અનામતનું રક્ષણ કરવા માટે કોંગ્રેસ પહાડની માફક ભાજપના માર્ગમાં ઊભી છે. જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી વંચિતોની પાસેથી તેમની અનામતને વિશ્વની કોઇ તાકાત ખૂંચવી શકશે નહીં.
ગૃહપ્રધાને કર્ણાટક અને આંધ્રનું ઉદાહરણ આપ્યું
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે હંમેશા એસસી-એસટી અને ઓબીસીના અનામત પર હુમલો કર્યો છે. કર્ણાટકમાં તેમની સરકાર આવી અને અલ્પસંખ્યકોને ચાર ટકા અનામત આપી દીધું. તેમાં કોનો કોટા કપાઇ ગયો? ઓબીસી અનામતમાં કાપ મૂકવામાં આવ્યો અને તેમનો હક્ક છીનવી અલ્પસંખ્યકોને આપવામાં આવ્યો. આંધ્રપ્રદેશમાં તેમની સરકાર આવી ત્યાં પણ તેમણે પાંચ ટકા અલ્પસંખ્યક અનામત આપી દીધું.
યુપીમાં ગૃહપ્રધાનના કોંગ્રેસ અને સપા પર પ્રહારો
ઊત્તર પ્રદેશના કાસગંજમાં કેન્દ્રીય ગૃહપ્રધાને જાહેર સભાને સંબોધન કરતાં વિપક્ષ પર રામમંદિરનો મુદ્દો લટકાવેલો રાખવાનો આરોપ મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જનતાએ કારસેવકો પર ગોળીઓ ચલાવનારા અને રામમંદિર બનાવનારામાંથી કોઇ એકને પસંદ કરવાના રહેશે. તેમણે કોંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે બે જૂથ છે એક જૂથ રામભક્તો પર ગોળીઓ ચલાવનારા લોકોનું છે અને બીજું જૂથ રામમંદિર બનાવનારા લોકોનું છે.