• પહેલાં ધુમાડા અને પછી આગની વચ્ચે મતદાન ચાલુ રહ્યું

  • આગ મતદાન મથક સુધી પહોંચી ગઈ હતી; પોલિંગ અને સુરક્ષા કર્મીઓને બિરદાવાયા
  • બપોર સુધી તો રાબેતા મુજબ બધું બરાબર ચાલ્યું હતું

ઉત્તરાખંડમાં અલ્મોડાના જાગેશ્વરમાં પોલિંગ પાર્ટીઓએ પ્રશંસનીય હિંમત બતાવી હતી. પોલિંગ ટીમે પહેલાં તો આગની જ્વાળાઓથી ઘેરાયેલા પોલિંગ બૂથમાં મતદાન સંપન્ન કરાવ્યું હતું, ત્યાર બાદ ઇવીએમ લઈને જંગલની આગ વચ્ચે થઈને સ્ટ્રોંગરૂમ સુધી પહોંચ્યા હતા. અલ્મોડાની જાગેશ્વર વિધાનસભાની રાજકીય પ્રાથમિક વિદ્યાલય મોર પટયૂડીમાં શુક્રવારે મતદાન થયું હતું. બપોર સુધી તો રાબેતા મુજબ બધું બરાબર ચાલ્યું હતું, પણ બપોર બાદ મતદાન મથકને અડીને આવેલા જંગલમાં અચાનક આગ લાગી હતી. વનની આગનો ધુમાડો મતદાન કેન્દ્ર સુધી આવવા લાગ્યો હતો. આ ધુમાડાથી મતદારો હેરાન થવા લાગ્યા હતા. થોડીક વાર પછી ધુમાડો મતદાન કેન્દ્રની અંદર સુધી પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં પણ મતદાનની પ્રક્રિયા ચાલુ રહી હતી. બીજી તરફ જંગલની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને મતદાન મથક સુધી પહોંચી ગઈ હતી. આ આગના કારણે મતદાન માટે આવતા લોકોની સંખ્યા ઘટી ગઈ હતી. આજુબાજુ આગ હોવા છતાં મતદાન કર્મચારીઓએ છેલ્લે સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રાખી હતી.

સ્ટ્રોંગરૂમ સુધી પહોંચવું પડકાર બન્યું

મતદાન સંપન્ન થયા બાદ પોલિંગ કર્મીઓ માટે ઇવીએમ લઈને સળગતા જંગલની વચ્ચે થઈને સ્ટ્રોંગરૂમ સુધી પહોંચવું પડકારરૂપ બની ગયું હતું. મુખ્ય અધિકારીના નેતૃત્વમાં ટીમે હિંમત બતાવીને જંગલની આગના પ્રકાશ અને ટોર્ચની મદદથી જોખમનો સામનો કરતાં કરતાં મુખ્ય સડક સુધી પહોંચ્યા હતા.

અડધી રાતે પોલિંગ પાર્ટી પહોંચી

આગની જ્વાળાઓ વચ્ચે મોડી સાંજે મતદાન સંપન્ન થયું હતું. પછી આગ બુઝાવાની આશામાં રાહ જોવાઈ હતી. ત્યાર બાદ મતદાન કર્મીઓએ જોખમ ઉઠાવ્યું હતું. સળગતા જંગલ વચ્ચે થઈને તેઓ માંડ માંડ રોડ સુધી પહોંચ્યા હતા. આ ટીમને સ્ટ્રોંગરૂમ પહોંચતાં મોડી રાત થઈ ગઈ હતી. આગની જ્વાળાઓ વચ્ચે પણ શાંતિપૂર્ણ મતદાન સંપન્ન કરાવવા બદલ એસએસપી દેવેન્દ્ર પીંચાએ જવાનો સરાહના કરી હતી. તેમણે પોલીસ, અર્ધસૈનિકદળ, યુપીથી આવેલા હોમગાર્ડ્ઝ, અને પીઆરડી જવાનોને પણ બિરદાવ્યા હતા.

  • Follow us on: