- વિપક્ષના નેતા તરીકે કરેલી રજૂઆતોનો અમલ કર્યોઃ મોઢવાડિયા
- મોઢવાડિયાએ કહ્યું- મારા એક મેસેજથી તેમણે પોરબંદર એરપોર્ટ માટે જમીન ફાળવી
- કોસ્ટગાર્ડ ડિફેન્સ મિનિસ્ટ્રીમાં આવે. એટલે વિષયને રોકવાની ક્ષમતા રાજ્ય સરકાર પાસે ન હોય: મોઢવાડિયા
વિધાનસભામાં વિપક્ષના નેતા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રહેતા ભાજપ સરકારની આકરી આલોચના કરતા અર્જૂન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબ વિશાળ હૃદયના કહ્યા છે. પૂર્વકાળના સંસ્મરણો, વિપક્ષના નેતા અને મુખ્યમંત્રી વચ્ચેના સંવાદને યાદ કરતા તેમણે ''મોદીનું નેતૃત્વ એ લોકશાહીને પ્રોત્સાહન આપનારૂ છે'' કહીને નરેન્દ્ર મોદી વિરોધીઓને સ્વીકારે છે, લોકહીતમાં તેમણે કરેલી રજૂઆતોને ઉકેલવા નિષ્ઠાવાન પ્રયાસો થકી લોકતાંત્રિક વ્યવસ્થાને વધારે મજબૂત કરી રહ્યાનું જણાવ્યુ હતુ.
12 વર્ષે પહેલાં વિપક્ષના નેતા હતા ત્યારનો કિસ્સો વર્ણવતા પોરબંદરથી ભાજપના ઉમેદવાર મોઢવાડિયાએ કહ્યું કે, હું જે વાત સરકાર સમક્ષ મુકતો તે મુખ્યમંત્રી મોદી સાનુકૂળ કરવા પ્રયત્ન કરતા. તેઓ કહેતા તમે વિપક્ષના નેતા તરીકે જ બોલો છો. તે બધુ જ અમે નોંધીએ છીએ. અને જે યોગ્ય હોય તેનો અમલ પણ કરીએ છીએ. પોરબંદરના એરપોર્ટનો પ્રસંગ યાદ કરતા તેમણે કહ્યું કે, એ કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને હતો. હું સ્થાનિક ધારાસભ્ય અને વિપક્ષના નેતા તરીકે હાજર હતો ત્યારે સ્ટેજ ઉપર ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલને ''રનવે 1300 મીટરને બદલે 2600 મીટરની લંબાઈનો થાય તો મોટું પ્લેન ઉતરી શકે'' એવી રજૂઆત કરી. તેમણે હા પાડી મુખ્યમંત્રી મોદી જમીન આપે તો લંબાઈ વધી શકે એવું જણાવ્યુ અને પછી સ્ટેજ ઉપરથી જ નરેન્દ્ર મોદીએ જમીન આપવાનું જાહેર કરી કલેક્ટરને પણ સુચના આપી હતી. વર્ષ 2012 પછી હું ધારાસભ્ય ન રહ્યો અને મોદી તો પ્રધાનમંત્રી થઈ ગયા એટલે સ્વાભાવિક છે કે આખો વિષય સાઈડલાઈન થયો. પછી એરપોર્ટને ફાળવવાની જમીન કોસ્ટગાર્ડને મળી. જેમાં બ્યૂરોક્રસીની ભૂલ હતી. મોઢવાડિયાએ જણાવ્યુ કે, કોસ્ટગાર્ડ ડિફેન્સ મિનિસ્ટ્રીમાં આવે. એટલે વિષયને રોકવાની ક્ષમતા રાજ્ય સરકાર પાસે ન હોય. માત્ર વડાપ્રધાન જ કરી શકે. એટલે મે તે મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાત કરી કે નરેન્દ્રભાઈએ જાહેરમાં વચન આપ્યુ હતુ. તેમણે મોદીને મેસેજ આપ્યો તો સામેથી રૂપાણીને તત્કાળ કામ કરવા કહ્યુ, રનવે વિસ્તારવા માટે સૂચના આપી. એટલે વિપક્ષમાં રહેતા મોદીએ આ કામ મારા મેસેજથી કર્યુ. તેઓ ખૂબ વિશાળ હૃદયના માણસ છે.










