- લોકસભાની ચૂંટણીને લઇને પાંચમા તબક્કાનું મતદાન
- 49 બેઠકો પર મતદાન
- કાશ્મીરની એક બેઠક પર મતદાન
લોકસભાની ચૂંટણીને લઇને 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. અમેઠીસ રાયબરેલી, લખનૌ જેવી હાઇ પ્રોફાઇલ બેઠકો સામેલ છે. ત્યારે જમ્મુ કાશ્મીરની એક બેઠક પર પણ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે જમ્મુ કાશ્મીરમાં શાનદાર વોટિંગ થઇ રહ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં વોટિંગ વધ્યુ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બારામુલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ફયાઝ અહેમદ મીર પીડીપી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે બપોરના આંકડાને જોતા આ બેઠક પર સૌથી વધારે 44.90 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું છે. અગાઉ 2019ની ચૂંટણીમાં અહીં માત્ર 34.57 ટકા વોટ પડ્યા હતા. એવું માનવામાં આવે છે કે મતદાન પૂર્ણ થતાંની સાથે જ આ બેઠક પર મતદાનની ટકાવારી 50ને પાર કરી જશે.
સૌથી સંવેદનશીલ બેઠક બારામુલા
બારામુલ્લા લોકસભા દેશના સૌથી સંવેદનશીલ મતવિસ્તારોમાંથી એક છે. આ વિસ્તાર લાંબા સમયથી આતંકવાદથી પીડિત છે. ઘણા સમયથી અહીં ભય અને દહેશતનું વાતાવરણ છે. આ ડર અને આશંકાના કારણે લોકો મતદાન કરવા ઘરની બહાર નીકળતા ન હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. 2019માં કેન્દ્રની મોદી સરકારે રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરી હતી. કલમ 370 નાબૂદ થયા બાદ અહીં પહેલીવાર ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીમાં વધુ એક મોટી વાત એ છે કે આ વખતે કોઈ પણ સંગઠને ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી નથી.
ઘાટીમાં સ્થિતિ બદલાઇ
લગભગ તમામ ભૂતકાળની ચૂંટણીઓ જોઇએ તો બારામુલ્લામાં મતદાનની ટકાવારી ઘણી ઓછી રહી છે. 2019ની લોકસભામાં 34.89 ટકા મતદાન થયું હતું, જ્યારે 2014માં 39.13 ટકા, 2009માં 41.84 ટકા અને 2004માં 35.65 ટકા મતદાન થયું હતું. મહત્વનું છે કે 1990ના દાયકામાં કાશ્મીરની ઘાટીમાંઆતંકવાદ વધવાથી બારામુલ્લા સહિત પ્રદેશની અન્ય બેઠકો પર મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઘણી સીટો પર આ આંકડો 10 થી 20 ટકાની વચ્ચે આવ્યો હતો. પરંતુ હવે ઘાટીની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.









