- લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા રણનીતિ તૈયાર
- રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવા કહ્યું; સૂત્રો
- અમેઠી અને રાયબરેલી સીટ કોંગ્રેસની પરંપરાગત ગઢ
લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા રણનીતિ બનાવવામાં આવી રહી છે. આ સાથે ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે. દરમિયાન, યુપીની બે સીટો અમેઠી અને રાયબરેલીને લઈને મુદ્દો હજુ અટવાયેલો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી આ બેઠક પર કોણ ઉમેદવાર હશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે અમેઠ અને રાયબરેલી સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ માનવામાં આવે છે, પરંતુ જે રીતે કોંગ્રેસને ગત વખતે અમેઠી સીટ ગુમાવવી પડી હતી, પાર્ટી આ વખતે કોઈ ભૂલ ન થાય તે માટે સંપૂર્ણપણે સતર્ક છે.
અમેઠી-રાયબરેલી અંગે CECની ઉચ્ચ સ્તરીય બેઠક
આ બંને બેઠકો માટેના ઉમેદવારોના નામ અંગે આજે શનિવારે CECની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. જેમાં સલમાન ખુર્શીદ, કેસી વેણુગોપાલ, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં CEC નેતાઓએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, લાંબી ચર્ચા વચ્ચે બંને બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈનલ થઈ શક્યા નથી. CECની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ આ મામલે અંતિમ નિર્ણય લેશે.
અમેઠી-રાયબરેલીની બેઠકને લઇ સસ્પેન્સ યથાવત
તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણયનો બચાવ કર્યો હતો અને અમેઠી અને રાયબરેલીમાં પાર્ટીના ઉમેદવારો પર સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. આસામના ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ખડગેએ કહ્યું હતું કે, 'વાયનાડના લોકો રાહુલ ગાંધીને તેમના સાંસદ તરીકે જોવા માંગતા હતા. તેથી જ તે તે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમેઠી અને રાયબરેલી બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોના નામ થોડા સમય પછી જાહેર કરવામાં આવશે.