- ભાજપના ઉમેદવાર માધવી લતા હૈદરાબાદ સીટથી લોકસભા ચૂંટણીમાં ઓવૈસી વિરુદ્ધ
- મુસ્લિમ મહિલાઓ બુરખો ન પહેરે અને ટ્રિપલ તલાક વિરુદ્ધ ઊભી રહેઃ માધવી લતા
- મેં ઈસ્લામ વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી, હું ઓવૈસી વિરુદ્ધ ચૂંટણી લડી રહી છુંઃ લતા
હૈદરાબાદ લોકસભા સીટ પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સામે ચૂંટણી લડી રહેલ ભાજપની ઉમેદવાર માધવી લતાએ ઓવૈસી પર નિશાન સાધવાનું ચાલુ રાખ્યું છે. શનિવારે 13 એપ્રિલના રોજ લોકસભા મતવિસ્તારના કેટલાક વિસ્તારોમાં પ્રચાર માટે નીકળી હતી.
માધવી લતાએ કહ્યું- મેં ઈસ્લામ વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી
તે દરમિયાન માધવી લતાએ ઓવૈસીએ લગાવેલા આરોપ પર પણ વળતો પ્રહાર કર્યો હતો. જેમાં ઓવૈસીએ માધવી લતા પર કથિત રીતે ઈસ્લામ વિરુદ્ધ નિવેદનો આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે સંદર્ભે માધવી લતાએ કહ્યું કે, મેં ઈસ્લામ વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી. મેં હંમેશા અસદુદ્દીન ઓવૈસીને પ્રશ્ન કર્યો છે. તેમજ માધવી લતાએ અસદુદ્દીન ઓવૈસી અને તેમના ભાઈ દ્વારા ભગવાન રામ અને માતા સીતા પર કરેલી ટિપ્પણીઓને પણ યાદ કરાવ્યાં હતા.
હવે અમે ભગવાન વિરુદ્ધ કોઈ ટિપ્પણી નહીં સાંભળીએઃ લતા
માધવી લતાએ કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસી ભૂલી ગયા કે તેણે અને તેના ભાઈએ ભગવાન રામ, તેની માતા અને માતા સીતા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તે આપણા ભગવાન વિશે કેમ બોલશે? માધવી લતાએ વધુમાં કહ્યું કે, એ દિવસ ગયો જ્યારે આપણે ભગવાન વિશે કરેલી ટિપ્પણીઓ સાંભળીને ચૂપ રહેતા, હવે આપણે ચૂપ રહેવાના નથી.
મુસ્લિમ મહિલાઓએ બુરખો ન પહેરવો જોઈએઃ માધવી લતા
માધવી લતાએ હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓએ બુરખો ન પહેરવો જોઈએ, ટ્રિપલ તલાક સામે ઊભા રહેવું જોઈએ અને બહુપત્નીત્વનો વિરોધ કરવો જોઈએ. આના પર ઓવૈસીએ આરોપ લગાવ્યો કે તે ઈસ્લામ વિરુદ્ધ વાત કરી રહી છે. આ અંગે હૈદરાબાદથી ભાજપના ઉમેદવાર માધવી લતાએ કહ્યું કે મેં મુસ્લિમ મહિલાઓને મજબૂત બનવાની સલાહ આપી છે. શા માટે ઓવૈસી ઇચ્છે છે કે મુસ્લિમ પુરુષો એકથી વધુ લગ્ન કરે?
માધવી લતા અસદુદ્દીન ઓવૈસી માટે એક મોટો પડકાર
વાસ્તવમાં, પોતાના સામાજિક કાર્યોને કારણે જૂના હૈદરાબાદમાં લાંબા સમયથી લોકપ્રિય રહેલી માધવી લતા અસદુદ્દીન ઓવૈસી માટે એક મોટો પડકાર બનીને ઉભરી રહી છે. તે સતત ઓવૈસી પર નિશાન સાધી રહી છે. માધવી લતા દાવો કરી રહી છે કે તેઓ હૈદરાબાદથી ચૂંટણી જીતશે અને ઓવૈસી હારી જશે.









