- મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર્, ગુજરાત, કર્ણાટક, ઓડિશા, આંધ્રમાં ગરમીની સૌથી વધારે અસર જોવા મળશે,
- એપ્રિલમાં સરેરાશ સામાન્ય વરસાદની સંભાવના
- ભારતના હવામાન વિભાગે ચાલુ વર્ષે સૌથી વધારે ગરમી પડવાનું અનુમાન કર્યું
ભારતના હવામાન વિભાગે ચાલુ વર્ષે સૌથી વધારે ગરમી પડવાનું અનુમાન કર્યું છે. એપ્રિલથી જૂન દરમિયાનના ત્રણ મહિના તાપમાન ઊંચું રહેશે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે 20 દિવસની હીટવેવની સંભાવના છે, જે સામાન્ય રીતે 8 દિવસ સુધી રહે છે. આઇએમડી અનુસાર, આગામી ત્રણ મહિનામાં દેશનાં છ રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર્, ગુજરાત, કર્ણાટક, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી વધારે અસર જોવા મળશે.
આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ સોમવારે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમના અનુસાર, એપ્રિલથી જૂન દરમિયાન ભારતના મોટા ભાગના પ્રદેશોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉપર રહેવાની સંભાવના છે, જ્યારે મેદાની પ્રદેશોના મોટા ભાગમાં સામાન્ય કરતાં વધારે લૂવાશે. તેમણે કહ્યું કે પશ્ચિમી દ્વીપકલ્પ ભારતમાં તેની સૌથી ખરાબ અસર જોવા મળવાનું અનુમાન છે. પશ્ચિમી હિમાલય ક્ષેત્ર, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોનાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં નીચે રહેવાની સંભાવના છે.










