- શાળાઓ વધુ ફી વસૂલ કરતી હોવાની 10 એફઆઇઆર દાખલ થઇ હતી
- શાળાઓએ કાયદાનો ભંગ કરીને ટયૂશન ફીમાં વધારો કર્યો હતો : શિક્ષણ અધિકારી
- 10 પૈકીની કેટલીક શાળાએ મંજૂરી વિના જ 10 ટકા તો કેટલીક શાળાએ 15 ટકાથી વધુ ફી વધારો કર્યો
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના સત્તાવાળાએ 10 જેટલી ખાનગી શાળાઓને તેમણે વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ધોરણે વસૂલેલી રૂપિયા 65 કરોડ જેટલી ફી વિદ્યાર્થીઓને પરત કરવાના આદેશ કર્યા છે. શાળાઓએ સાત શૈક્ષણિક સત્ર દરમિયાન 81,000 વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે આ રકમ વસૂલી હતી.
જબલપુર જિલ્લા શિક્ષણાધિકારી ઘનશ્યામ સોનીએ જણાવ્યું હતું કે શાળાઓએ કાયદાનો ભંગ કરીને ટયૂશન ફીમાં વધારો કર્યો હતો. જિલ્લા કક્ષાએ તપાસ માટે રચાયેલી સમિતિના સભ્યોએ આ શાળાના હિસાબો ચકાસતાં ધ્યાને આવ્યું હતું કે આ શાળાઓ વધારાની ફી વસૂલતી હતી. વર્ષ 2018-19 થી 2024-25 દરમિયાન આ ખાનગી શાળાઓએ 81,117 વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂપિયા 81,117 કરોડની વધારાની રકમ વસૂલી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે શાળાઓને મંગળવારે નોટિસ પાઠવીને તેણે ગેરકાયદે વસૂલેલી ફીનું રિફંડ આપવા સૂચના આપી છે. જબલપુર જિલ્લા વહીવટીતંત્રને 27મેના રોજ શાળાના સંચાલકો અને કેટલાક પુસ્તક ભંડારો સામે ગેરકાયદે ફી વધારા અને પાઠયપુસ્તકોની કિંમતમાં વધારા બદલ દાખલ થયેલી 10 એફઆઇઆર મળી હતી.










