દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ક્યારેક તો ટ્રેનનું એન્જિન છુટુ પડી જાય છે તો ક્યારેક ટ્રેનને ઉથલાવી દેવાનું ષડયંત્ર સામે આવે છે. ક્યારેક પાટા પરથી હે સિલિન્ડર તો ક્યારેક થાંભલો મળી આવે છે. ત્યારે વધુ એક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દિલ્હી-મુંબઈ રેલ્વે લાઇન પર રતલામ રેલ્વે સ્ટેશન નજીક ગુરુવારે રાત્રે બની હતી.
પેટ્રોલ ભરેલી માલગાડીના ડબ્બા પલટ્યા
ગુરુવારે રાત્રે પેટ્રોલથી ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. કેનમાંથી પેટ્રોલ પણ લીક થઈ ગયુ હતું. અકસ્માતની માહિતી મળતા જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓનું માનવું છે કે આ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર પણ હોઈ શકે છે.
ડીઆરએમ રજનીશ કુમારે જણાવ્યું હતું કે ગુજરાતના રાજકોટથી ભોપાલના બેરાનિયા ભૌરી તરફ જઈ રહેલી પેટ્રોલિયમ પેદાશોથી ભરેલી માલગાડી રાત્રે લગભગ 10 વાગે અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પરિણામે દિલ્હી-મુંબઈ રૂટની અપલાઈનને અસર થઈ હતી, જ્યારે ડાઉન લાઈનમાં ટ્રેનોની અવરજવર ચાલુ છે, જો કે આ ઘટનાને કારણે બે ટ્રેનો થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી.
ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા
ડીઆરએમ રજનીશ કુમારના જણાવ્યા અનુસાર સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકારની ઘટના ટેકનિકલ ખામીના કારણે પણ બની શકે છે. હાલમાં તપાસ ચાલી રહી છે. દુર્ઘટના બાદ સૌથી પહેલા રેલવે દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
રજનીશ કુમારે જણાવ્યું હતું કે ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, એક કોચને ઉઠાવી લેવાયો હચો જ્યારે બીજા ડબ્બાને ઉપાડવામાં તકલીફ આવી રહી હોવાનું જણાવ્યું. સાથે જ કહ્યું કે ત્રીજો ડબ્બો પણ નાનો છે અને તે પણ ટૂંક સમયમાં ઉપાડવામાં આવશે. વધુમાં જણાવ્યું કે આ ઘટનાને કારણે કોઇ ટ્રેન કેન્સલ નથી પરંતુ ટ્રેનના સમયમાં વિલંબ થઇ શકે છે. પરંતુ અમે સાવધાની વર્તી રહ્યા છીએ.









