મધ્યપ્રદેશના જબલપુરમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યુ છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આખી બિલ્ડિંગ જ ધરાશાયી થઇ ગઇ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અનેક કર્મચારીઓ ફસાયા હોવાની આશંકા છે. જબલપુરમાં ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં ફિલિંગ સેક્શનમાં બ્લાસ્ટ થયો હતો. લગભગ 12 થી 13 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. . ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ અનેક કર્મચારીઓ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. ઘટના બાદ ફેક્ટરીની ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે. કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કયા કારણોસર આ ઘટના બની તેને લઇને તપાસ કરવામાં આવી રહી છે.
સારવાર ચાલી રહી છે
મહત્વનું છે કે જબલપુરના ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયાના F6 વિભાગમાં પિચ્યોરા બોમ્બને ઉકાળતી વખતે આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટ થયો ત્યારે બિલ્ડિંગમાં લગભગ 12 થી 13 લોકો કામ કરી રહ્યા હતા. દરેકને ઈજા થઈ છે. તમામ ઘાયલોને મહાકૌશલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં સારવાર ચાલી રહી છે.
અધિકારીએ શું કહ્યું?
સમગ્ર મામલાને લઈને ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયા સાથે જોડાયેલા અધિકારી આનંદ શર્માએ જણાવ્યું કે રશિયન પેચોરા બોમ્બને ઉકાળીને કાઢવામાં આવી રહ્યો છે. આ લગભગ 30-40 વર્ષ જૂનો બોમ્બ છે. અમે લાંબા સમયથી બોઇલ ડાઉન પ્રક્રિયા કરી રહ્યા છીએ. વિસ્ફોટ ત્યાં થયો હતો. જે બિલ્ડિંગમાં વિસ્ફોટ થયો હતો ત્યાં અમારા ચાર સાથીઓ હતા, જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ છે, જેમને અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક વ્યક્તિ ગુમ છે. બીજી બિલ્ડિંગમાં લગભગ 11 કર્મચારીઓ હતા, તે બધા સુરક્ષિત છે, તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.