- મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં મહાકાલ બાબાની સવારી નીકળશે
- ઉજ્જૈન મહાકાલ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાને લઇને મળી બેઠક
- બેઠકમાં કલેક્ટર દ્વારા અધિકારીઓેને આપવામાં આવી સૂચના
પવિત્ર શ્રાવણ માસ હવે 5 ઑગષ્ટથી શરૂ થવાનો છે. શ્રાવણ માસને લઇને મહાદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે આ વખતે શ્રાવણ માસને લઇને ઉજ્જૈન મહાકાલ મંદિર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને અને શ્રાવણમાસમાં નીકળતી મહાકાલની સવારીને લઇને બેઠક મળી હતી. આ બેઠકમાં ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમકે કેવી રીતે વ્યવસ્થામાં વધુ સુધારો કરવો અને આ વખતે બાબા મહાકાલની સવારીને વધુ ભવ્ય સ્તરે કેવી રીતે આગળ ધપાવી શકાય. આ બેઠકમાં કલેકટરે અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપી હતી. જેમ અગાઉ બાબા મહાકાલની પ્રથમ સવારીમાં આદિવાસી સમૂહો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેવી જ રીતે આગામી સમયમાં 350 પોલીસ કર્મચારીઓનું પોલીસ બેન્ડ પણ બાબા મહાકાલની સવારીમાં જોડાશે. આ ઉપરાંત નાસિક અને કાશીથી આવેલા 1000 કલાકારો ડમરુ વગાડીને પ્રસ્તુતિ કરશે.
ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે બેઠક લીધી
બાબા મહાકાલની પ્રથમ સવારી ભવ્ય રીતે પસાર થાય તે દરમિયાન શું કરવુ જોઇએ. કેવી વ્યવસ્થા કરવી જોઇએ તથા શું સુધારા વધારા કરી શકાય તે વિશે માહિતી લીધી હતી. આ અંગે ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે એક બેઠક લીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં આપણે મહાકાલની સવારીને ભવ્ય બનાવવા માટે કામ કરવું પડશે, પરંતુ તેની સાથે નાની-નાની બાબતો પર પણ કામ કરવાની જરૂર છે. બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે બાબા મહાકાલની સવારીની વ્યવસ્થા અંતર્ગત હરસિદ્ધિ પાલ, ગોપાલ મંદિર, છત્રી ચોક અને અન્ય સ્થળોએ વધુ સારી વ્યવસ્થા કરવાની જરૂર છે.
મહાકાલની સવારીમાં નહી વાગે ડીજે
મીટીંગ દરમિયાન એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે ગત વર્ષે મહાકાલની સવારી દરમિયાન ડીજે વગાડવા દમિયાન ઘણી અવ્યવસ્થા સર્જાઇ હતી. જેથી આ વખતે પણ આવુ ન થાય તેની તકેદારી રાખવા કહ્યું. આ બાબા મહાકાલની પરંપરાગત રીતે સવારી કાઢવામાં આવે તેમાં ભાગ લેનારા ભક્તો તેમની સાથે ઢોલ, મંજીરે, ડમરુ અને ઢોલ લાવી શકે છે પરંતુ હવે સવારીમાં ડીજેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ સાથે બેઠકમાં એ વાત પર પણ સહમતિ સધાઈ છે કે આ વખતે રામઘાટની સામેના વિસ્તાર દત્ત અખાડામાંથી પરંપરાગત સંગીત વાદ્યોનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે.
ભક્તો સાથે છેતરપિંડી ન થવી જોઇએ
કલેક્ટર નીરજ કુમાર સિંઘે બેઠકમાં અધિકારીઓને સૂચના આપી હતી કે સવારીની વ્યવસ્થાની સાથે શ્રાવણ મહિનામાં બાબા મહાકાલના દર્શન કરવા આવતા ભક્તો સાથે છેતરપિંડી ન થાય તે માટે પણ વધુ ધ્યાન આપવું જોઈએ કારણ કે ઘણી વખત આવી ફરિયાદો મળતી હોય છે. હોટલ સંચાલકો બહારથી આવતા શ્રદ્ધાળુઓ પાસેથી મનસ્વી રકમ વસૂલતા હોવાનું જાણવા મળ્યું છે. કલેક્ટર સિંહે અધિકારીઓને જણાવ્યું હતું કે આપણે એટલું સાવધ રહેવું પડશે કે હવે હોટલ સંચાલકો બાબા મહાકાલના દર્શન કરવા આવનાર કોઈપણ ભક્ત સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી ન કરી શકે.










