ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં મકરસંક્રાંતિના અવસર પર મંગળવારે 3.50 કરોડથી વધુ લોકોએ પવિત્ર સ્નાન કર્યું અને શ્રદ્ધાની ડુબકી લગાવી છે. આ પ્રસંગે તમામ 13 અખાડાના સંતો અને ઋષિઓએ અમૃત સ્નાન કર્યું. મેળા પ્રશાસને સવારે 3 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી સંગમમાં ડૂબકી લગાવનારા લોકોના આંકડા જાહેર કર્યા છે.
ભક્તોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સમય દરમિયાન લગભગ 3.50 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. મોડી સાંજ સુધીમાં બીજા 50 લાખ શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવે તેવી શક્યતા છે. મેળાના વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, પરંપરા મુજબ, અખાડાઓએ પહેલા અમૃત સ્નાન કર્યું. સૌ પ્રથમ, સન્યાસી અખાડાઓમાં, શ્રી પંચાયતી અખાડા મહાનનિર્વાણીના સાધુઓ અમૃત સ્નાન માટે બહાર આવ્યા. આ પછી શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાના સંતો હર હર મહાદેવના નારા લગાવતા અમૃત સ્નાન કરવા પહોંચ્યા. અમૃત સ્નાન પૂર્ણ થયા પછી મહાનનિર્વાણી અખાડાના મહામંડલેશ્વર ચેતનગીરીએ મીડિયા સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે પ્રયાગરાજમાં દર 12 વર્ષે પૂર્ણ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે 12 પૂર્ણ કુંભ પૂર્ણ થાય છે, ત્યારે 144 વર્ષ પછી મહાકુંભનું આયોજન થાય છે.
સૌ પ્રથમ મહાનિર્વાણી અખાડાએ કર્યુ શાહી સ્નાન
તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવવાની તક ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળે છે. આ પવિત્ર પ્રસંગે, મહાનિર્વાણી અખાડાના 68 મહામંડલેશ્વરો અને હજારો સંતોએ અમૃત સ્નાન કર્યું. તેવી જ રીતે, અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીના નેતૃત્વમાં તપોનિધિ પંચાયતી શ્રી નિરંજની અખાડા અને આનંદ અખાડાના સંતોએ અમૃત સ્નાન કર્યું. તેમની પાછળ અખાડાઓના ધ્વજ હતા અને પછી પૂજનીય દેવતાઓ કાર્તિકેય સ્વામી અને સૂર્યનારાયણની પાલખીઓ હતી.
નિર્મલ અખાડાએ છેલ્લે અમૃત સ્નાન કર્યું
જુનાની સાથે, કિન્નર અખાડાના સંતોએ પણ અમૃત સ્નાન કર્યું. સંન્યાસી અખાડાઓએ સ્નાન કર્યા પછી ત્રણ બૈરાગી અખાડા - શ્રી પંચ નિર્મોહી આણી અખાડા, શ્રી પંચ દિગંબર આણી અખાડા અને શ્રી પંચ નિર્વાણી આણી અખાડાના સંતો અને સંન્યાસીઓ સ્નાન કરવા માટે પહોંચ્યા. આ પછી ઉદાસીન અખાડા - પંચાયતી નયા ઉદાસીન અને પંચાયતી બડા ઉદાસીન અખાડાના સંતોએ સ્નાન કર્યું. છેલ્લે, શ્રી પંચાયતી નિર્મલ અખાડાના સંતોએ સ્નાન કર્યું.