પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અહીં લાખોની સંખ્યામાં સનાતનીઓ આવી પહોંચ્યા છે. દેશ વિદેશના દિગ્ગજો મહાકુંભ પહોંચી રહ્યા છે. જેમાંથી બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ બાકાત નથી. વળી આવતીકાલે માઘ પૂર્ણિમા છે. અમૃત સ્નાન છે. એટલે હાલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે મુકેશ અંબાણી પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યો છે. તેઓ પરમાર્થ નિકેતનમાં ભોજન સેવા કરશે. ત્યારબાદ મહાકુંભમાં સ્નાન પણ કર્યુ.
ગૌતમ અદાણી પછી હવે મુકેશ અંબાણીનો પરિવાર પણ મહાકુંભમાં પહોંચ્યો છે. મુકેશ અંબાણીની સાથે, તેમના માતા કોકિલાબેન અંબાણી અને બંને પુત્રો અને પુત્રવધૂઓ પણ પવિત્ર ડૂબકી લગાવવા માટે મહાકુંભ પહોંચ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવાર ઉપરાંત, 30 અન્ય સભ્યો પણ મહાકુંભ પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માઘ મહિનો 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે. આ જ કારણ છે કે અંબાણી પરિવાર આ મહિનો પૂરો થાય તે પહેલાં જ માઘ મહિનાના અમૃત સ્નાન માટે મહાકુંભમાં પહોંચી ગયો છે.
ઐરલ ઘાટેથી પહોંચ્યા સંગમ તટે
તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ મહાકુંભમાં ભાગ લીધો હતો. તે અરૈલ ઘાટ થઈને સંગમ ઘાટે પહોંચ્યા હતા. ત્યારે મુકેશ અંબાણી પણ અરૈલ ઘાટ થઈને સંગમ તટે પહોંચ્યા. તેમની સાથે આકાશ અને શ્લોકા અંબાણીના બાળકો પણ જોવા મળ્યા. અરૈલ ઘાટને VIP મુવમેન્ટ માટે રાખવામાં આવ્યો છે. અહીંથી લોકો હોડીઓમાં બેસીને સંગમ પહોંચી રહ્યા છે.
યાત્રાળુઓની સેવા કરવાનો સંકલ્પ લીધો
અંબાણી પરિવારે મહાકુંભમાં આવતા યાત્રાળુઓની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની CSR શાખા, રિલાયન્સ ફાઉન્ડેશન, મહાકુંભમાં 'તીર્થ યાત્રી સેવા' પહેલ પર કામ કરી રહી છે. આ અંતર્ગત મુસાફરોને સલામતી માટે મફત ખોરાક, આરોગ્ય સહાય, પરિવહન સેવા, કનેક્ટિવિટી અને મફત લાઇફ જેકેટ આપવામાં આવી રહ્યા છે.
સેવાકીય પ્રવૃત્તિમાં લીધો ભાગ
આ સેવાઓ અને સુવિધાઓ મહત્તમ સંખ્યામાં યાત્રાળુઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે, રિલાયન્સ ફાઉન્ડેશન ધાર્મિક સંગઠનો અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સહયોગમાં કામ કરી રહ્યું છે. મુકેશ અંબાણીનો પરિવાર ધીરુભાઈના સમયથી દ્વારકામાં શારદા પીઠ શંકરાચાર્યનો અનુયાયી રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન અહીં મહાકુંભ શારદા પીઠ મઠ, શ્રી શંકરાચાર્ય ઉત્સવ સેવાાલય ફાઉન્ડેશન અને નિરંજની અખાડાના સહયોગથી સેવાકીય કાર્ય કરી રહ્યું છે.